ભાવનગરઃ થોરડી ગામના તળાવમાંથી શંકાસ્પદ હાલતમાં 16 વર્ષીય સગીરાની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતી સગીરાની થોરડી ગામના તળાવમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે. ગત 16 તારીખના રોજ સગીરા ગૂમ થઈ હતી. જે અંગે વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. શંકાસ્પદ હાલતમાં લાશ મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સગીરાની લાશ પેનલ પીએમ અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.
સગીરાના મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરાઈ છે. બે દિવસ સુધી સગીરાની શોધખોળ બાદ પત્તો ના લાગતા 19 તારીખે સગીરાના માતાએ વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પરિવારજનો દ્વારા પોતાની પુત્રીની તલાશ યથાવત રાખવામા આવી હતી. પરંતુ, ગઈ કાલે તેની લાશ મળી આવતા પરિવાર પર આભ ફાટ્યું હતું.
સગીરા મામાના ઘરે સિદસર ગઈ હતી. ત્યાંથી મામાને થોરડી ગામ પ્રસંગ જવાનું થતા સગીરા પણ તેના મામા સાથે થોરડી ગામમાં ગઈ હતી. જ્યાંથી 16 તારીખે ગૂમ થઈ ગઈ હતી. સગીરાના રહસ્યમય મોતને લઈ પોલીસ અને પરિવારજનો ચોંકી ઉઠ્યા છે. પોલીસે સગીરાના મોતનું ચોક્કસ કારણ જાણવા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. લાશના પેનલ પીએમ બાદ રિપોર્ટમાં મોતનો ખુલાસો થઈ શકે છે.
સગીરાને ગળે ટાઈટ દુપટ્ટો બાંધેલો હતો તેના પેટમાં પેચિયાના 5 થી 6 ઘા ઝિંકાયા હતા તેમજ મોં વિકૃત હાલતમાં હતું. તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. પરંતુ વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી તેથી તેના પરિવારજનોને બોલાવાતા કપડાના આધારે તેની ઓળખ કરાઈ હતી.
સુરતના મોટા વરાછાની નીચલી કોલોનીમાં ભાડાની રૂમમાં રહેતા છત્તીસગઢના બિઝનેસમેનની ગળે ટુંપો આપી થયેલી હત્યાનો ભેદ અમરોલી પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ ઘટનામાં પોલીસે પાડોશી યુપીવાસી યુવાનની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં દારૂની મિજબાની માણી રહ્યા હતા ત્યારે નશામાં ધુત વૃદ્ધે ગાળો આપી ઉછીના આપેલા ૫૦૦ રૂપિયા માંગતા થયેલા ઝગડામાં હત્યા કર્યાની આરોપીએ કબુલાત કરી હતી.
સુરતમાં અમરોલી પોલીસની હદમાં હત્યાનો એક બનાવ સામે આવ્યો હતો. જેમાં મોટા વરાછા સ્થિત નીચલી કોલોનીમાં વીરજી પ્રજાપતિની ભાડાની રૂમમાં છત્તીસગઢના ૬૮ વર્ષીય કન્હાઈ રામ સુંદર રામ રહેતા હતા. તેઓની થોડા દિવસો પહેલા હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસને આ અંગે જાણ થતા ઘટના સ્થળે પહોચી હતી.
પોલીસે તપાસ કરતા વૃદ્ધ માત્ર અંતરવસ્ત્રો પહેરેલા હતા અને તેઓના હાથ અને મોઢા પર કપડું બાંધેલું હતું. વધુમાં ઘરમાંથી સોનાની ચેઈન અને મોબાઈલ ગાયબ હતા અને ઘરનો સરસમાન પણ વેરવિખેર હતો. જેથી કોઈ જાણભેદુ હોવાની આશકા પોલીસને થઇ હતી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. પોલીસે તપાસ કરતા પડોશમાં રહેતો સોનું જગદીશ ઠાકુર અને તેનો રૂમ પાર્ટનર ગાયબ હતા. જેથી પોલીસે આ મામલે તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસે સોનું જગદીશ ઠાકોરની મથુરાથી ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, અઠવાડિયા અગાઉ સોનુંએ ૫૦૦ રૂપિયા વૃદ્ધ પાસેથી ઉછીના લીધા હતા. પરંતુ કામ ન મળતા તે પરત આપી શ્ક્યો ન હતો. દરમ્યાન કન્હાઈ સોનું અને તેનો રૂમ પાર્ટનર રૂમમાં દારૂ પીવા બેઠા હતા. દરમ્યાન દારૂના નશામાં વૃદ્ધે ગાળાગાળી કરી ૫૦૦ રૂપિયા પરત માંગ્યા હતા. જેથી તેઓની વચ્ચે ઝગડો થયો હતો. જેમાં સોનુના રૂમમાંથી દારૂ પીને વૃદ્ધ પોતાના રૂમમાં જઈ રહ્યો હતો તે વેળાએ તેની પાછળ સોનું ગયો હતો અને બાદમાં ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બાદમાં તેનો મોબાઈલ અને સોનાની ચેઈન લુંટી લીધી હતી. હત્યાની જાણ સોનુંએ પોતાના રૂમ પાર્ટનરને કરી હતી. જેથી તે ગભરાઈ ગયો હતો અને બંને જણા ત્યાંથી વતન ભાગી ગયા હતા. જો કે અમરોલી પોલીસે તેઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.