ભાવનગરઃ આજે પાલીતાણામાં પાણીના પ્રવાહમાં તણાવાની અલગ અલગ બે ઘટનાઓ સામે આવી છે. પહેલી ઘટનામાં એક મહિલા પોતાના બાળકોને એક્ટિવા લઈને સ્કૂલે મુકવા જઈ રહી હતી, ત્યારે કોઝવેમાં એક્ટિવા સાથે તણાઇ ગઈ હતી. જેમાં મહિલાનો બચાવ થયો હતો, જ્યારે તેમના દીકરા-દીકરીનું મોત નીપજ્યું હતું. બીજી તરફ પાલીતાણાના આકોલાળી ગામે કોઝવેમાં 35 વર્ષીય યુવક તણાયો છે.
આ અંગેની વધુ વિગતો એવી છે કે, આકોલાળી ગામે કોઝવે પરથી ધસમસતા પાણીના પ્રવાહમાં ભરતગીરી ગોવસ્વામી નામનો યુવક ગરકાવ થયો છે. 35 વર્ષીય યુવક કોઝવેમાં ગરકાવ થયાની સ્થાનકોને જાણ થતા સ્થાનિક તરવૈયાની મદદથી યુવક ની શોધખોળ શરૂ કરાઇ છે. પાલીતાણા ફાયર વિભાગ ઘટના સ્થળે જવા રવાના થયો છે.
આ ઘટનાનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, યુવક કોઝવે પરથી પાણીનો પ્રવાહ વધુ હોવા છતાં યુવક સાહસ કરવા ગયો અને પાણીના પ્રવાહ વચ્ચેથી રસ્તો ક્રોસ કરવા જતાં પાણીનો પ્રવાહ યુવકને તાણી જાય છે. ભાવનગરના પાલીતાણામાં એક જ દિવસમાં પાણીના ધસમસતા પ્રવાહમાં તણાવાની બીજી ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે.
પાલીતાણાના મોટી રાજસ્થળી રોડ શીતળા માતા મંદિર પાસે એક્ટિવા સાથે ત્રણ લોકો પાણીમાં તણાયા હતા. આ દુર્ઘટનામાં મહિલાનો બચાવ થયો છે, જ્યારે પુત્રી અને પુત્ર પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું છે. નગરપાલિકા ફાયર ટીમ દ્વારા 18 વર્ષીય યુવતી અને 10 વર્ષીય બાળકની લાશ બહાર કાઢવામાં આવી છે.
આ અંગે વિગતો એવી છે કે, એક્ટિવા પર માતા દીકરી જાનકી જેઠવા(ઉં.વ.18) અને વિરાટ જેઠવા (ઉં.વ.10) સાથે પાલીતાણાના મોટી રાજસ્થળી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન શીતળા માતાના મંદિર પાસે આવેલા કોઝવેમાં ત્રણેય એક્ટિવા સાથે તણાયા હતા. આ દુર્ઘટનામાં મહિલાને પહેલા જ બચાવી લેવામાં આવી હતી.
આ પછી ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં પહેલા બાળક અને પછી યુવતીની લાશ મળી આવી હતી. આમ, આ દુર્ઘટનામાં બેના મોત થતાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બન્ને ભાઈ બહેનની લાશને પીએમ અર્થે મોકલવામાં આવી છે. બેના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.