આ પૈકી એક ભુવાએ તેને સાંકળથી માર પણ માર્યો હતો. અન્ય ભુવાઓએ પણ જુદી જુદી રીતે અત્યાચાર ગુજાર્યા છે. આ ત્રાસ અને તેના કારણે પેદા થતા સતત માનસિક તણાવના કારણે યુવતીએ બે વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આમ છતાં કોઈ ફરક ના પડતાં યુવતીએ કંટાળીને 181 ટીમની મદદ માંગી હતી. યુવતીએ પોતતે હવે પિયરમાં પણ રહેવા માંગતી નથી એ પણ સ્પષ્ટ કર્યું છે.
આ ઘટનાની વિગત એવી છે કે, કચ્છમાં 181 ટીમને રાપર તાલુકાના એક ગામમાંથી યુવતીનો કોલ આવ્યો હતો અને મદદ માંગી હતી. જેના પગલે 181ના કાઉન્સીલર નિરૂપા બારડ અને એ.એસ.આઈ.પ્રેમીલાબેન દોડી ગયા હતા. યુવતીએ કાઉન્સલરને જણાવ્યુ હતુ કે, તેના લગ્ન આઠેક વર્ષ પહેલા રાપર તાલુકાના જ એક ગામમાં થયા છે. લગ્નગાળાના લાંબા અરસા દરમિયાન તેને સંતાન ન થતા પતિ સહિત સાસરીયા પક્ષના અન્ય સભ્યો નારાજ થઈને શારીરીક માનસિક ત્રાસ ગુજારતા હતા. તેના કરણે કંટાળીને પતિનું ઘર છોડીને પિયરમાં રહેવા આવી ગઈ હતી.
છેલ્લા એક વર્ષથી પોતાના પિયરમાં આવ્યા બાદ પિયરના લોકો પણ પોતાને સંતાન થાય તે માટે ભુવાઓ પાસે લઈ જાય છે અને તાંત્રિક વિધિનો સહારો લે છે. આ કારણે કંટાળીને તેણે મદદ માગી હતી. કાઉન્સેલરે સંતાન માટે તાંત્રિક વિધિનો ઉપયોગ કરવો કાયદાની વિરૂધ્ધ હોવાથી એવું નહીં કરવા પિયરના સભ્યોને સમજણ આપી હતી. મહિલાના પતિ સાથે પણ ટેલીફોન પર વાતચીત કરીને પોતાની પત્નીને સારા ડોકટર પાસે લઈ જવા અને પોતાની સાથે રાખવા જણાવ્યું પરંતુ પતિએ ના પાડી દીધી. મહિલાએ પણ હવે પિયરમાં રહેવુ નથી તેમ કહેતાં તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો અપાવ્યો હતો.