દ્વારકાઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસના સૌરાષ્ટ્રમાં આજે બે-બે મોટા ઝટકા લાગ્યા છે. અમરેલીમાં કોંગ્રેસના નેતાઓએ કેસરીયો ધારણ કર્યા પછી હવે દ્વારકામાં પણ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. ઓખા નગર પાલિકાના બે કોંગ્રેસી સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.


ઓખાના વોર્ડ નંબર ૭ અને ૮ના બે સભ્યો ભાજપમાં જોડાયા છે. કિશોરભાઈ અગ્રાવત અને અંજલિબેન માણેક ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રમુખ ખીમભાઈ જોગલના હસ્તે ખેસ ધારણ કર્યો હતો. ઓખા પાલિકામાં ભાજપનું સંખ્યાબળ ૨૨નું થયું છે, જ્યારે કોંગ્રેસનું સંખ્યાબળ ૧૩ થયું છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ફરી એકવાર ગાબડું પડ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. લાઠી કોંગ્રેસના આગેવાનોએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે. લાઠી તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ જનક તળાવીયાને કોંગ્રેસમાંથી સ્પેન્ડ કરતા તેઓ ભાજપમાં જોડાયા છે.

તેમની સાથે લાઠી તાલુકાના 15 જેટલા કોંગ્રેસના આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. લાઠી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન,ન્યાય સમિતિના ચેરમેન,એક સદસ્ય પણ ભાજપમાં જોડાયા છે. કાચરડી જિલ્લા પંચાયતના સદસ્યએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. 2 ગામોના સરપંચોએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. સાંસદ નારણ કાછડીયા, દિલીપ સંઘાણી, કૌશિક વેકરીયાએ ભાજપમાં આવકાર્યા હતા.