અમદાવાદ: કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં છે. અમદાવાદમાં તેમણે સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી.  આ બેઠકમાં  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વના પ્રોજેક્ટ અને લોકસભાના વિકાસના કાર્યોની સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી હતી.



  


એક સપ્તાહમાં IPS અધિકારીઓની બદલી થઈ શકે છે


રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. રાજ્યમાં  આઈપીએસ અધિકારીઓની બદલીની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. રથયાત્રા બાદ બદલીની શક્યતાઓ હતી ત્યારે હવે એક સપ્તાહમાં જ IPS અધિકારીઓની બદલી થઈ શકે છે.



 


અમદાવાદ શહેરના પોલીસ કમિશનર  સંજય શ્રીવાસ્તવ નિવૃત થયા બાદ પ્રેમવીર સિંહ પાસે અમદાવાદ કમિશનરનો ચાર્જ છે.  ત્યારે હવે ટૂંક સમયમાં અમદાવાદ શહેરને નવા કમિશનર મળે તેવી શક્યતા છે. 


અમદાવાદ સહિતના મહાનગરો તેમજ રાજ્યની અલગ-અલગ રેન્જના આઈજીની બદલી કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. અનેક જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થતિને ધ્યાનમાં રાખી IPS અધિકારીઓની બદલી કરવામાં આવી શકે છે.   


ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદીઓને 73 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી


અષાઢી બીજના પાવન અવસરે ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પોતાના લોકસભા વિસ્તારમાં કુલ 73 કરોડના પ્રજાલક્ષી વિકાસકાર્યોની ભેટ આપી હતી. AMCનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં સિંધુભવન ખાતે ક્રેડાઈ અમદાવાદ સીએસઆર ફાઉન્ડેશન દ્વારા ડેવલપ કરવામાં આવેલા અ.મ્યુ.કો.ગાર્ડન - પીપલ્સ પાર્ક(પીપીપી મોડલ ગાર્ડન)નું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


આ પીપલ્સ પાર્કના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સૌને અષાઢી બીજ અને કચ્છી નવવર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, વધતાં જતાં શહેરીકરણ સામે પર્યાવરણ અને પ્રકૃતિનો ખ્યાલ રાખીને શહેરીજનો માટે બનાવવામાં આવેલા સુંદર ગાર્ડનના લોકાર્પણ પ્રસંગે ક્રેડાઈ ગાહેડનો ધન્યવાદ વ્યક્ત કરું છું. ક્રેડાઈ ગાહેડ દ્વારા આયોજનપૂર્વક બનાવવામાં આવેલ અને મેન્ટેન થનાર આ પાર્ક આસપાસના વિસ્તારના નાગરિકો માટે આરોગ્ય જાળવણી સાથે વિસામાનું મહત્ત્વનું સ્થાન બની રહેશે.