અમદાવાદઃ કોંગ્રેસના ટોચના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની તબિયત અંગે મોટા સમાચાર આવ્યા છે. ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે એવા સમાચાર છે. ભરતસિંહ સોલંકીએ 68 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ હાલમાં તેમને ફિઝિયોથેરાપી કરાવવામાં આવી રહી છે. તેના કારણે તેમની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો છે. સોલંકીની ત્રણ મહિનાથી કોરોનાની સારવાર ચાલી રહી છે.


ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી બાદ તરત જ ભરતસિંહ સોલંકી કોરોના સંક્રમિત થયા હતા. રાજ્યસભાની ચૂંટણીમાં સોલંકી કોંગ્રેસના બીજા ઉમેદવાર હતા અને તેમની હાર થઈ હતી

રાજયસભાની ચૂંટણી બાદ કોરોના પોઝિટિવ આવતાં ખાનગી હોસ્પિટલમાં ભરતસિંહ સોલંકી સારવાર લઈ રહ્યા હતા. કોરોના સાથે ફેફસાંની બીમારી અને કિડનીમાં ઇન્ફેક્શનના કારણે લાંબો સમય હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું.

ઓગસ્ટના ત્રીજા અઠવાડિયામાં ભરતસિંહ સોલંકીની તબિયત અત્યંત ખરાબ હોવાના દાવા સાથે એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં ભરતસિંહ સોલંકી બિલકુલ ઓળખાય નહીં એવી સ્થિતીમાં દેખાઈ રહ્યા હતા. ભરતસિંહના શરીરમાં ઠેર ઠેર નળીઓ લગાવેલી હતી અને ફિઝિયોથેરાપિસ્ટ તેમને હાથ ઉંચા કરીને કસરત કરાવી રહ્યા છે એવું દેખાતું હતું. આ વીડિયો વાયરલ થતાં કોંગ્રેસનાં વર્તુળોમાં ભરતસિંહની તબિયત અંગે ચિંતાની લાગણી પ્રસરી ગઈ હતી. ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી હતી કે, આ વિડીયો 20 દિવસ જૂનો છે અને ભરતસિંહની તબિયત સારી છે. તેમને હાલ કસરત કરાવવામાં આવી રહી છે. ભરતસિંહ હાલ વહીલચેર પર અવરજવર પણ કરી રહ્યા છે. ચાવડાએ કહ્યું કે, આ ફિઝિયોથેરાપીની સારવાર બાદ કિડનીની પણ સમસ્યા થઈ હતી પણ તે પણ હવે રિકવરી તરફ છે તેથી તેમની તબિયત અંગે કોઈ ચિંતા કરવા જેવું નથી. એ પછી કોંગ્રેસ તથા હોસ્પિટલ દ્વારા સતત સોલંકીની તબિયત સારી હોવાના સમાચાર અપાતા રહ્યા છે.

કોરોના થતાં વડોદરાની હોસ્પિટલમાં દાખલ થયેલા ભરતસિંહ સોલંકીની તબિયત કથળી જતાં તેમને અમદાવાદ લવાયા હતા. અમદાવાદમાં તેમની તબિયત વધારે બગડતાં તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા હતા પણ હવે તેમની તબિયતમાં સુધારો નોંધાયો છે.