Cyclone Biparjoy: ગુજરાતમાં દરિયા કાંઠા ટકરાયેલા બિપરજૉય વાવાઝોડાના લેન્ડફૉલના કારણે ભારે નુકશાન પહોંચ્યુ હતુ, કચ્છ, દ્વારકા સહિતના 9 જિલ્લાઓમાં નુકસાન પહોંચ્યુ હતુ. હવે આ મામલે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છ પહોંચીને હવાઇ નિરીક્ષણ કર્યુ છે. આજે બપોરે 12 વાગે દિલ્હીથી સીધા કચ્છ પહોંચેલા અમિત શાહે અસરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવ્યો હતો, ક્યાં કેટલું નુકસાન પહોંચ્યુ છે, તેની વિગતો તંત્ર પાસેથી મેળવી હતી.




કચ્છના હવાઇ નિરીક્ષણ દરમિયાન કેન્દ્રીય સહકાર અને ગૃહમંત્રી અમિત શાહની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યાં છે. સરકારની તમામ એજન્સીઓ પણ નુકસાનીનો તાગ મેળવવા કામે લાગી છે. 




હવાઇ નિરીક્ષણ બાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લેવા ખુદ હૉસ્પીટલ પહોંચ્યા હતા, કચ્છ વિજીટ દરમિયાન અમિત શાહ માંડવીની માંડવી સિવીલ હૉસ્પીટલમાં એડમીટ થયેલા અસરગ્રસ્ત લોકોને મળીને તેમના ખબર અંતર પુછ્યા હતા. 




  
અમિત શાહે આજે કચ્છના હવાઇ નિરીક્ષણ દરમિયાન તાગ મેળવ્યો કે ક્યાં કેટલુ જાન-માલને નુકશાન થયુ છે, ક્યાં કેટલા ખેડૂતો, ઘરોને અને પાકને નુકસાન થયુ છે. ખાસ વાત છે કે સરકારની વિવિધ એજન્સીઓ તમામ પ્રકારની તપાસ અને પૃથ્થકરણ કરીને સરકારને જાણકારી આપશે કે જાન-માલને કચ્છમાં વાવાઝોડાના કારણે કેટલુ નુકસાન થયુ છે, આ પછી સરકાર આને લઇને અસરગ્રસ્તો માટે જાહેરાત પણ કરી શકે છે.




આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિપરજૉય વાવાઝોડાથી અસર પામેલા ગામોના અસરગ્રસ્ત લોકોને નિયમાનુસારની કેશડૉલ્સ આગામી ત્રણ દિવસમાં ચૂકવી આપવાની સ્પષ્ટ સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીએ આ વાવાઝોડાને પરિણામે રાજ્યમાં દરિયાકિનારાના જિલ્લાઓમાં ઊભી થયેલી સ્થિતિની વિસ્તૃત વિગતો સંબંધિત જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કૉન્ફરન્સ યોજીને મેળવી હતી. 


રાજ્યમાં હજુ પણ આ જિલ્લાઓમાં વરસાદનો ભય


વાવાઝોડું હવે  ડિપ્રેશનમાં બદલાયું છે તો રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.  કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.  આજે સવાર બાદ કચ્છને રાહત મળી શકશે.  અમદાવાદમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદી માહોલ રહેશે.  હવામાન વિભાગ દ્વારા  કરવામાં આવેલી આગાહી મુજહ   કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી,  પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  પવનની ગતિ 41 થી 61 પ્રતિ કલાક રહેશે.  ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે.  બનાસકાંઠા,  મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર,અમરેલી  જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દિવ, મહીસાગર , પંચમહાલ, વડોદરા, સુરત , ડાંગ, ભરૂચ,રાજકોટ  નવસારી,વલસાડ , દમણ,  દાદારનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સિવાય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.