Biporjoy: થોડાક દિવસો પહેલા રાજ્યમાં ત્રાટકેલા બિપરજૉય વાવાઝોડાએ અનેક શહેરો અને ગામડાંઓમાં કહેર વર્તાવ્યો હતો, ઠેર ઠેર મોટા મોટા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા હતા, બિપરજૉયના કારણે દરિયા કાંઠાના વિસ્તારોમાં સૌથી વધુ નુકસાન પહોંચ્યુ હતુ, જોકે, બિપરજૉય વાવાઝોડા બાદ વરસેલા વરસાદે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ તબાહી મચાવી દીધી હતી, આમાં બનાસકાંઠામાં સૌથી વધુ લોકો નુકસાનીનો ભોગ બન્યા હતા. હવે આજે આ મામલે બનાસકાંઠામાં નુકસાનીનો ભોગ બનેલા અસરગ્રસ્તોની મુલાકાતે કોંગ્રેસના નેતાઓ જવાના છે.
માહિતી પ્રમાણે, બનાસકાંઠામાં બિપરજૉય વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા ગામડાઓની મુલાકાત આજે કોંગ્રેસના નેતાઓ લેશે. ગુજરાત પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ અને બીજા કેટલાક સ્થાનિક ધારાસભ્યો જિલ્લાના ધાનેરા વિસ્તારમાં જશે, અહીં અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત લેશે. મુલાકાત પહેલા પાલનપુર સર્કિટ હાઉસ ખાતે જગદીશ ઠાકોર અને લાલજી દેસાઈ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને તમામ માહિતી આપશે. કોંગ્રેસના નેતાઓ ધાનેરાના બૉર્ડર વિસ્તારના ગામડાઓની પણ મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે, બિપરજૉય વાવાઝોડું અને ત્યારબાદ વરસેલા અનરાધાર વરસાદે કરોડોનું નુકસાન પહોંચાડ્યુ છે.
બિપરજૉયથી PGVCLને 125 કરોડનું નુકસાન
ગયા અઠવાડિયે ત્રાટકેલા બિપરજૉય વાવાઝોડાએ રાજ્યમાં કેર વર્તાવ્યો છે. બિપરજૉયના કારણે રાજ્યમાં મોટુ નુકસાન પહોંચ્યુ છે, બિપરજૉય પસાર થઇ ગયા બાદ હવે નુકસાનીના આંકડાઓ સામે આવી રહ્યાં છે. બિપરજૉય વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન પાવર ઇલેક્ટ્રિક કંપની PGVCLને થયુ હોવાનું સામે આવ્યુ છે. બિપરજૉય વાવાઝોડાથી PGVCLને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યુ છે. એક રિપોર્ટ અનુસાર, રાજ્યમાં PGVCLને અંદાજિત 125 કરોડથી વધુનો ફટકો પહોંચ્યો છે. આમાં સૌથી વધુ નુકસાન જામનગરમાં થયુ છે, જામનગરમાં 64 કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે. આ ઉપરાંત અનેક જગ્યાએ PGVCLને નુકસાનમાં ક્યાંક ટીસી ડેમેડ થયા છે, તો ક્યાંક પાવર સપ્લાય લાઇનો તુટી ગઇ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં હજારો વીજપૉલ ધરાશાયી થયા છે. બિપરજૉયના કેરના કારણે સૌરાષ્ટ્રમાં 870 ગામડાઓમાં અંધારપટ છવાઇ ગયો છે. આ નુકસાનીમાં સૌરાષ્ટ્રમાં 38,529 જેટલા વીજપૉલ ડેમેજ થયા છે અને 5224 ટીસી ડેમેજ થયા હોવાનું સામે આવ્યુ છે. PGVCLને સૌથી વધુ નુકસાન રાજકોટ, મોરબી, પોરબંદર, જુનાગઢ, જામનગર, ભુજ, અંજાર, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગરમાં કુલ 125.16 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે.
બિપરજોય વાવાઝોડા દરમિયાન થયેલા નુકશાન અંગે સહાયની જાહેરાત
બિપરજોય વાવાઝોડામાં થયેલા નુકશાન અંગે રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. કપડા અને ઘરવખરીના નુકશાન માટે સરકાર રૂપિયા 7000 ચુકવશે. સંપૂર્ણ નાશ થયેલ કાચા પાકા મકાન માટે રૂપિયા 1,20,000ની સહાય અપાશે. આંશિક નુકસાન થયેલા પાકા મકાનો માટે રૂપિયા 15000ની સહાય ચૂકવાશે. આંશિક નુકસાન થયેલ કાચા મકાનો માટે રૂપિયા 10,000ની સહાય જાહેર કરવામાં આવી છે. સંપૂર્ણ નાશ થયેલ ઝુંપડા માટે રૂપિયા 10,000 ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. ઘર સાથેના શેડના નુકસાન માટે રૂપિયા 5000ની સહાય અપાશે. તમામ સહાયમાં SDRF ઉપરાંત રાજ્ય સરકાર પોતાના બજેટમાથી વધારાની રકમ આપશે.રાજ્ય સરકારે કેસ ડોલ્સ ચૂકવવાની જાહેરાત કરી હતી. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં માનવ ખુવારી તો નથી થઈ પરંતુ 92 જેટલા પશુઓના મોત થયા છે. 653 કાચા મકાનો, 66 પાકા મકાનો, 175 ઝૂંપડા, 1 જેટી અવે 24 નાના વાહનોને નુકશાન થયું છે.બિપરજોય વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલ લોકોને કેસ ડોલ્સ ચૂકવવામાં આવશે. પુખ્ત વયના લોકોને 100 જ્યારે બાળકને 60 રૂપિયા પ્રતિદિન કેસ ડોલ્સ ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર 5 દિવસનું કેસ ડોલ્સ ચૂકવશે. વાવાઝોડા બાદ જિલ્લા કલેકટરો દ્વારા નુકશાની અને રાહત અંગે કામગીરી કરવામાં આવી રહી છે. કેસ ડોલ્સ પાત્ર લોકોને ચુકવણી શરૂઆત કરવા સૂચના આપવામાં આવી છે. પંચાયત વિભાગના ઇજનેરોને કચ્છ સહિતના જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા છે. આ ટીમો નુકશાનીનો સર્વે કરશે. વાવાઝોડાને કારણે 3,700 કિલોમીટર રોડને નુકશાન થયું છે. જ્યારે 34 લોકોને વાવાઝોડામાં ઇજા પહોંચી છે. 19,500 વીજપોલ ધરાશાયી થયા છે તેમાંથી 1,500 જેટલા પોલને ફરી ઊભા કરવામાં આવ્યા છે. તો બીજી તરફ 92 પશુઓ પણ મોતને ભેટ્યા છે.