અમદાવાદ: રાજયમાં કોરોના મહામારી વચ્ચે પક્ષીઓમાં બર્ડ ફ્લૂએ પણ દસ્તક આપી દીધી છે. બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે રાજ્યના અલગ-અલગ જિલ્લામાં 100થી વધુ પક્ષીઓના મૃત્યુ થતા તમામ મૃત પક્ષીઓના સેમ્પલને તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. પક્ષીઓના મૃત્યુથી પ્રશાસન એલર્ટ થઈ ગયું છે.


ગુજરાત સહિત સાત રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસ આવી ચુક્યા છે. દેશભરમાં આશરે 1200 પક્ષીઓના બર્ડફ્લૂથી મોત થયા છે. દિલ્લીમાં પક્ષીઓની આયાત પર પ્રતિબંધ. લગાવાયો છે. ઉત્તર પ્રદેશમાં પણ અસંખ્ય પક્ષીઓના મોત થયા છે.

સુરત જિલ્લાના માંગરોળના તાલુકાના હથોડા ગામે એક પોલ્ટ્રી ફાર્મમાં પાંચ દિવસ દરમિયાન 90 મરઘાના મોત થતા બર્ડ ફ્લૂની દહેશત ફેલાઈ છે. તો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ એપીએમસીમાં સાત જેટલા કાગડાના મૃત્યુ થતા પશુપાલન અને વનવિભાગે તપાસ હાથ ધરી છે. તો જૂનાગઢના માંગરોળના લોએજ ગામમાં 50 થી 60 જેટલા કાગડાના ટપોટપ મોત થતા વનવિભાગે સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

ડાંગના વધઈમાં 10થી વધુ મૃત કાગડાઓ મળી આવતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. બર્ડફલુની ભીતિને લઈ પ્રશાસન દોડતુ થયું છે. પશુ ચિકિત્સક વિભાગે મૃત કાગડાના નમૂના લઈ તપાસ માટે ભોપાલ મોકલ્યા છે.

બર્ડ ફ્લૂની દહેશતના પગલે અરવલ્લી જિલ્લામાં આવેલા અગમચેતીના ભાગરૂપે પોલ્ટ્રી ફાર્મની તપાસ હાથ ધરવામા આવી છે. જિલ્લામાં આવેલા 50 પોલ્ટ્રી ફાર્મ પર પશુપાલન વિભાગની 20 ટીમોએ તપાસ હાથ ધરી છે.