Rupala Controversial statement:પરષોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ માટેના વિવાદિત નિવેદનના પગલે ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ છે. ત્યારે ભાજપે ડેમજ કંટ્રોલ કરવાની કવાયત હાથ ધરી છે. આજે ભાજપના નેતા સાથે ક્ષત્રિય સમાજની બેઠક યોજાશે. જેમાં સમાજના અગ્રણીઓ અને ભાજપના 4 ક્ષત્રિય નેતા ઉપસ્થિત રહે છે.ભાજપના મુખ્ય 4 ક્ષત્રિય નેતાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. ભૂપેંદ્રસિંહ ચુડાસમા, કિરીટસિંહ રાણા,પ્રદીપસિંહ જાડેજા અને આઈ.કે.જાડેજા આ 4 ક્ષત્રિય ભાજપ નેતાની આગેવાનીમાં બેઠક યોજાશે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ બપોરે ત્રણ વાગ્યે બેઠક યોજાશે આ પહેલા ગુપ્ત સ્થળે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ હતી.
જો કે આ સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે. ક્ષત્રિય સમાજ પરષોતમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી રહ્યાં છે, ઠેર ઠેર પોસ્ટર સાથે પરષોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણીના બેનર્સ લાગ્યા છે. જો કે આ સમગ્ર મામલે ચૂંટણી પંચે રૂપાલાને ક્લિનચીટ આપી છે,
શું છે રૂપાલાનો અભદ્ર ટિપ્પણીનો વિવાદ
પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.