અમદાવાદઃ  ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રાજ્યમાં આગામી 21મી ઑક્ટોબરે યોજાનારી પેટાચૂંટણી માટે ભાજપે અમદાવાદની અમરાઈવાડી, બનાસકાંઠાની થરાદ, સાબરકાંઠાની ખેરાલુ, અરવલ્લીની બાયડ, પાટણની રાધનપુર, અને મહિસાગરની લુણાવાડા બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા છે.


ઉલ્લેખનીય છે કે, સોમવારે વિજય મુહૂર્તમાં આ ઉમેદવારો ફોર્મ ભરશે. ઉમેદવારોના નામ જાહેર કરાયા છે, તેમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરનું નામ પણ સામેલ છે. સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 21મી ઓક્ટોબરે વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે.



ભાજપે મોડી રાત્રે જાહેર કરેલા ઉમેદવારોમાં થરાદ બેઠક પરથી જીવરાજભાઇ પટેલ, રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર, ખેરાલુ બેઠક પરથી અજમલભાઇ ઠાકોર, બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા, અમરાઇવાડી બેઠક પરથી જગદીશભાઇ પટેલ, લુણાવાડા બેઠક પરથી જીજ્ઞેશભાઇ સેવકના નામ જાહેર કરવામાં આવ્યા છે.