Gujarat By Election: ગુજરાતમાં વાવ બેઠકથી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે. વાવ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારોનું સસ્પેન્સ ખતમ થયું છે. ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે.
વાવ બેઠક પર કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં સ્વરુપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીમાં હાર્યા હતા.
સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.
આ વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ફરી તેમના નામની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે ભાજપે આ બેઠક પર તેમને રિપિટ કરીને વધુ એક વખત સ્વરુપજી ઠાકોર પર ભરોસો વ્યક્ત કર્યો છે.
વિધાનસભા 2022ની ચૂંટણી પરિણામમાં કૉંગ્રસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગેનીબેન ટાકોર બનાસકાંઠા લોકસભા બેઠક પરથી જીત મેળવી હોવાથી વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. વાવ બેઠક ગેનીબેન ઠાકોરના ગઢ સમાન માનવામાં આવે છે. હાલ છેલ્લી બે વિધાનસભાના પરિણામ અને 2024ના લોકસભા ચૂંટણીના પરિણામ જોતા કોંગ્રેસનો હાથ ઉપર છે.
સ્વરૂપજી ઠાકોર 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. તેમને 48634 મત મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ 2019માં આ બેઠક પરથી પરબતભાઈ પટેલને ટિકિટ આપી હતી. કૉંગ્રેસે પારથીભાઈ ભટોલને ટિકિટ આપી હતી. પરબતભાઈ પટેલને 6 લાખથી વધુ મત મળ્યા હતા જ્યારે પારથીભાઈ ભટોલને 3 લાખથી વધુ મત મળ્યા હતા. બનાસકાંઠા બેઠક પરથી 2014માં હરિભાઈ ચૌધરી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમની સામે કૉંગ્રેસે જોયતાભાઈ પટેલને ટિકિટ આપી હતી.