Vav Bypoll: વાવ બેઠકની પેટાચૂંટણીને લઈ ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. વાવ બેઠકની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસે સત્તાવાર રીતે ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર બનાવ્યા હતા.
મળતી જાણકારી અનુસાર, વાવથી વિધાનસભાની પેટાચૂંટણી માટે કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર જાહેર કર્યા હતા. થરાદથી 2022માં ચૂંટણી હારેલા ગુલાબસિંહ વાવ બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર છે. ગુલાબસિંહને ઉમેદવાર બનાવતા ઠાકરશી રબારીની પ્રતિક્રિયા આપી હતી. ઠાકરશી રબારીએ કહ્યું હતું કે ગુલાબસિંહ રાજપૂતના નામની જાહેરાત થતા ખુશ છું. ગુલાબસિંહના સારથી બનીને હું મદદ કરીશ. પાર્ટી કોઈ એકને જ ટિકિટ આપે છે. બળદેવજી,ચંદનજી હાલ જાપાનના પ્રવાસે છે. ઠાકોર સમાજનું વલણ મહત્વનું રહેશે.
કૉંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા બાદ ભાજપ પણ જલદી પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે. લોકસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા બેઠકથી ભાજપને વધુ મત મળ્યા હતા. ઠાકોર અને રબારી સમાજના મત મહત્વપૂર્ણ સાબિત થશે. વાવના મતદાતાઓ થરાદના ગુલાબસિંહને સ્વીકારશે કે નહીં તે મહત્વનું રહેશે. ગેનીબેન ઠાકોરના કૌટુબિંક કાકા ભુરાજી ઠાકોર ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે.
જાણો કોણ છે ગુલાબસિંહ રાજપૂત
ગુલાબસિંહ રાજપૂત સુઈ ગામના અસારવા ગામના વતની છે. તેઓ પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે. તેઓ થરાદના પૂર્વ ધારાસભ્ય છે. 2019 પેટા ચૂંટણી જીત્યા હતા. યુથ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે. 2022 થરાદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપના શંકર ચૌધરી સામે હાર્યા હતા. કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી છે. 2019માં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતા.
હવે આ બેઠક પર 13 નવેમ્બરે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે ત્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ હજુ સુધી ભાજપમાંથી કોઇનું નામ નક્કી થયું નથી. ભાજપમાંથી કોને ટિકીટ આપવી તે મુદ્દે મનોમંથન ચાલી રહ્યું છે.