ભાવનગરઃ મેયર પદ ન મળતાં ભાજપના મહિલા કોર્પોરેટરે મીડિયા સામે જ શહેરના જ બે ધારાસભ્યો પર ગંભીર આક્ષેપો કર્યા હતા. મહિલા કોર્પોરેટર વર્ષાબા પરમારે કરેલા ગંભીર આક્ષેપો મુદ્દે ભાજપ સંગઠને લાલ આંખ કરી છે અને તેમને શો કોઝ નોટિસ આપી છે. તેમજ તેમની સામે શિસ્તભંગના પગલાં કેમ ન લેવા તેવો ખુલાસો માંગ્યો છે. આ ઘટનાને  લઈ ભાજપની સાથે સાથે સ્થાનિક રાજકારણમાં પણ હડકંપ મચી ગયો છે. 


નોંધનીય છે કે, ભાવનગર મનપાના મેયર તરીકે ખાલિયાબીડ વોડ્રના ભાજપના કોર્પોરેટર વર્ષાબા પરમાર પ્રબળ દાવેદાર હતા. જોકે, મેયરપદે તેમની વરણી ન થતાં તેઓ ભાજપ કાર્યાલય ખાતે જ રડી પડ્યા હતા. તેમજ આ સમયે મીડિયા સામે જ ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમજ તેમને અન્યાય કરાઈ રહ્યો હોવાનો આરોપ લગાવતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. 


આ ઘટનાના થોડા સમય પછી જ ફરથી તેમણે ભાવનગર પૂર્વના ધારાસભ્ય અને મંત્રી વિભાવરીબેન દવે સામે પણ મીડિયાની હાજરીમાં ગંભીર આક્ષેપો કર્યા હતા. આ અંગેની પોસ્ટ સોશિયલ મીડિયા પર પણ ભારે વાયરલ થઈ હતી. ત્યારે ભાજપના જ મહિલા કોર્પોરેટના ગંભીર આક્ષેપોને લઈ રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. 


બીજી તરફ આ મુદ્દાની ગંભીરતાને ધ્યાને લઈ શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંજ્યાએ પ્રદેશ મોવડી મંડળને જાણ કરી હતી. પ્રદેશની સૂચના પછી શહેર ભાજપ પ્રમુખ મહિલા કોર્પોરેટર વર્ષાબાને શો કોઝ નોટિસ ફટકારી તેમની પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. તેમજ જવાબ આપવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે.