અમદાવાદઃ ભારત સરકારમાં ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ સાત મહિના પછી મંગળવારે સાંજે ગુજરાત આવી પહોંચ્યા હતા તે પછી ગણતરીના કલાકોમાં જ ભાજપે આખરે કોંગ્રેસનો ઉમેદવાર જાહેર થવાની રાહ જોયા વિના લીંબડી બેઠક ઉપર પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાને ઉમેદવાર તરીકે જાહેરાત કરી હતી.


આ પહેલા ગુજરાતમાં ભાજપે વિધાનસભાની પેટાચૂંટણીમાં 8 પૈકી 7 બેઠકો માટે સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરી હતી પણ એક માત્ર લીંબડી બેઠક માટેના ઉમેદવારની જાહેરાત બાકી રખાઈ હતી. એવી ચર્ચા હતી કે કોંગ્રેસ કોને ઉમેદવાર જાહેર કરે છે તેના પર ભાજપની નજર છે.

જોકે હવે ભાજપે પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાના નામની જાહેરાત કરી દીધી છે. આ ક્ષત્રિય ઉમેદવાર ૨૦૦૨માં કોંગ્રેસના ભરવાડ ઉમેદવાર સામે તથા ૨૦૧૨ અને ૨૦૧૭માં કોળી ઉમેદવાર સોમાભાઈ ગાંડાભાઈ સામે હાર્યા હતા. આ બેઠક પર કોળી મતદારો મોટી સંખ્યામાં છે.



નોંધનીય છે કે, રાણાના નામની જાહેરાત પહેલા જ તેમણે ચૂંટણી કાર્યાલય ખોલી પ્રચાર પણ શરૂ કરી દીધો હતો.

અગાઉ અમિત શાહ નવરાત્રિ આરંભે ૧૭ ઓક્ટોબરે આવશે તેમ કહેવાયુ હતુ. જો કે, મંગળવારે સવારે અચાનક જ આ કાર્યક્રમમાં ફેરફાર થયો હતો. કોરોનાને કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે સાત મહિને અમદાવાદ આવેલા ગૃહમંત્રીએ આગામી બે દિવસ કોઈને મુલાકાત માટે સમય આપ્યો નથી.