અમદાવાદ: ગુજરાતી ભાષાના ખ્યાતનામ પીઢ ગાયિકા કૌમુદી મુનશીનું મુંબઇ ખાતે મંગળવારે નિધન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા અને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા અને ત્યાં મંગળવારે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. 91 વર્ષના ગાયિકા કોરોના વાયરસની ઝપેટમાં પણ આવ્યા હતા. ગુજરાતી સુગમસંગીતમાં તેઓનું અદ્વિતીય અને મહામૂલું યોગદાન છે. તેમના અવસાન પર વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી અને ગુજરાતી સુગમ સંગીતનાં શિરમોર ગાયિકા ગણાવ્યા હતા.



પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, ગુજરાતી સુગમ સંગીતનાં શિરમોર ગાયિકા કૌમુદી મુનશીના અવસાનથી દુઃખ અનુભવું છું. ગુજરાતી સુગમ સંગીતને લોકપ્રિય બનાવવામાં તેમનું યોગદાન સંગીતપ્રેમી પેઢીઓ માટે હંમેશા યાદગાર રહેશે. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.


1929માં વારણસીમાં જન્મેલા કૌમુદી મુનશી મૂળ વડનગરના હતા. તેમનો પરિવાર વારણસીમાં સ્થાયી થયો હતો. 1950માં બનારસ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ઉપશાસ્ત્રીય સંગીતની તાલીમ તેમણે બનારસની વિશ્વવિખ્યાત ગાયિકા સિદ્ધેશ્વરી દેવી પાસે લીધી હતી. સંગીતકાર અને ગીતકાર નીનુ મજમુદાર સાથે તેમના લગ્ન થયા હતા.
કૌમુદી મુનશીએ 91 વર્ષની વયે પણ તેમણે રિયાઝ અને ગાયન છોડ્યાં નહોતા. તેઓ ઉપશાસ્ત્રીય સંગીતમાં પૂરબ અંગની ઠુમરી, ચૈતી, દાદરા અને હોરી જેવી ગાયનશૈલીના નિપુણ હતાં. તેમની અનેક રચનાઓ લોકપ્રિય હતી. નહિ મેલું રે નંદજીના લાલ, અલી ઓ બજાર વચ્ચે બજાણિયો, 'કોઈ આઘે આઘેથી વેણુ વાય છે, નવી તે વહુના હાથમાં રૂમાલ, વાંકાબોલી આ તારી વરણાગી વાંસળી, જાઓ, જાઓ, જ્યાં રાત ગુજારી, 'જીવન મળ્યું જીવનની પછી વેદના મળી' જેવા લોકપ્રિય ગીતો તેમણે ગયા હતા.