ગુજરાત ભાજપના પ્રમુખને લઇને મોટા સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બદલે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારમાં સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાને ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, માંડવિયાને લોકસભા ચૂંટણી લડવા તૈયારી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. એટલું જ નહી મનસુખ માંડવિયા સુરતથી લોકસભા ચૂંટણી લડી શકે છે. માંડવિયાએ જે.પી નડ્ડા સાથે 40 મિનિટ સુધી બેઠક બાદ ચર્ચા શરૂ થઇ હતી.
ભાજપ નીતિન પટેલને સોંપી શકે છે મોટી જવાબદારી
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલને મોટી જવાબદારી સોંપાઇ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિન પટેલને ભાજપ મોટી જવાબદારી આપે તેવી સંભાવના છે. ભાજપ નીતિન પટેલને ઉત્તર પ્રદેશ ભાજપના પ્રભારી બનાવે તેવી શક્યતા છે. ભૂપેન્દ્ર ચૌધરી સાથે મુલાકાત બાદ ચર્ચાએ જોર પકડ્યું હતું.
ઉપરાંત નીતિન પટેલને રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. નોંધનીય છે કે અગાઉ મહેસાણામાં સભા દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ આ અંગેના સંકેત આપ્યા હતા. ભૂપેન્દ્ર ચૌધરી અને નીતિન પટેલ વચ્ચે દિલ્હીમાં બેઠક યોજાઇ હતી. યુપી ભાજપ કોર ગ્રુપે ગુજરાતી નેતાને પ્રભારી બનાવવા માંગ કરી છે.
BJPએ ચાર રાજ્યોમાં બદલ્યા પ્રદેશ પ્રમુખ
લોકસભા 2024ની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ અનેક રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ બદલ્યા છે. પંજાબમાં સુનીલ જાખડ, તેલંગાણામાં કિશન રેડ્ડી, આંધ્રમાં ડી પુરંદેશ્વરી અને ઝારખંડમાં બાબુલાલ મરાંડીને કમાન સોંપવામાં આવી છે. આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ કિરણ કુમાર રેડ્ડીને ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બનાવવામાં આવ્યા છે. તેઓ એપ્રિલમાં ભાજપમાં જોડાયા. તેલંગાણામાં ભાજપની ચૂંટણી પ્રબંધન સમિતિના અધ્યક્ષ તરીકે ઈટેલા રાજેંદરની નિમણૂક કરવામાં આવી છે.
સુનીલ જાખડ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ લોકસભા ચૂંટણી પહેલા જે રીતે સુનીલ જાખડને પંજાબમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ભાજપ સુનિલ જાખડને પંજાબમાં મોટા હિન્દુ ચહેરા તરીકે લાવી છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભાજપ ફરીથી અકાલી દળ સાથે ગઠબંધન કરી શકે છે.
કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક બાદ કરવામાં આવ્યા ફેરફાર
કેન્દ્રીય મંત્રી પરિષદમાં ફેરબદલની સંભાવનાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સોમવારે (3 જુલાઈ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી. લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગેલા ભાજપના ટોચના નેતૃત્વ સમક્ષ અનેક રાઉન્ડની બેઠકો યોજાઈ હતી.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial