ગાંધીનગર: આજે ગુજરાતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં કમલમ ઓફિસમાં મેગા ભરતી મેળો યોજાયો હતો, જેમાં સીઆર પાટીલે કોંગ્રેસના દિગ્ગજ દિગ્ગજો અર્જૂન મોઢવાડિયા, અંબરીશ ડેર  અને મુળુભાઇ કંડોરિયાને ભાજપનો ખેસ પહેરાવીને પાર્ટીમાં સામેલ કર્યા હતા. આ ત્રણેય નેતાઓને સીઆર પાટીલે ખેસ પહેરાવીને પાર્ટીમાં સામેલ કર્યા હતા. ખાસ વાત છે કે, હાલમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં આવે તે પહેલા પ્રદેશ કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે. 






ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા બાદ અર્જૂન મોઢવાડિયાએ ANI સાથે વાત કરી હતી. આ દરમિયાન સરકારી એજન્સીઓના દૂરઉપયોગને લઈ અર્જૂન મોઢવાડિયાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'જુઓ આ પ્રચાર થઈ રહ્યો છે. હું જણાવુ તમને કે, આદરણીય નરેંદ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને આદરણીય અમિત શાહજી ગુજરાતના ગૃહમંત્રી હતા એ સમયે હું  હિંમતથી લડતો હતો પરંતુ મારી પબ્લિક લાઈફ છે તેમાં મે 20 વર્ષ સુધી તો કૉંગ્રેસ ચલાવી અને કૉંગ્રેસ ચલાવનારા નેતાઓમાં એક હતો. પરંતુ મને ક્યારેય તેનો ડર નથી લાગ્યો. ન તો ડરાવવાની કોશિશ થઈ છે. ન તો એજન્સી આવી છે ન તો પોલીસ આવી. મારી વાત છોડી દો પરંતુ કૉંગ્રેસના જેટલા દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં છે તેમને કોઈને ક્યારેય મુશ્કેલી નથી થઈ, ક્યારેય કોઈને એજન્સીનો ડર નથી. આજે પણ નથી અને પહેલા પણ નહોતો. આ તો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે એજન્સીનો ડર દેખાડવામાં આવી રહ્યો છે.  જે લોકો ગુના કરે છે તેમની સામે કાર્યવાહી થાય છે પરંતુ મને ક્યારેય ડરાવવામાં આવ્યો નથી અને ગુજરાતમાં ક્યારેય આવી કોશિશ થઈ નથી.'  


અર્જૂન મોઢવાડિયાએ કહ્યું સામાજિક બદલાવ માટે આવ્યો છું.......



ભાજપમાં જોડાયા બાદ અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે,  ‘હું કોંગ્રેસ સાથે 40 વર્ષથી જોડાયેલો હતો અન કપરા સમયમાં પણ તેમનો સાથ આપ્યો. ભાજપને મારા જેવા નેતાની કોઇ જરૂર નથી. કાંઇ ખૂટતું હતુ અને ઉમેરવા આવ્યો છુ એવું નથી. પરંતુ સામાજીક બદલાવ માટે કામ કરીશું. કોંગ્રેસમાં બદલાવ હવે શક્ય નથી. પોરબંદર માટે મારે સારું કામ કરવું છે તેથી હું ભાજપમાં જોડાયો છુ. કોઇ લાલચ માટે નહીં પરંતુ બદલાવ નજર સામે આવે છે. ભગવાન રામ જ્યારે રામ સેતું બાંધતા હતા ત્યારે જે રીતે ખિસકોલી આવીને મદદ કરી હતી. તેવી જ રીતે હું પણ જોડાયો છુ.’