Dwarka Congress News: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ ગુજરાતમાંથી કોંગ્રેસના મોટા મોટા નેતાઓ પક્ષ છોડીને જઇ રહ્યાં છે. આ લિસ્ટમાં વધુ એક નામ સામે આવ્યુ છે, જે બહુ જલદી ભાજપમાં સામેલ થઇ શકે છે. સુત્રો અનુસાર, દ્વારકા કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. કોંગ્રેસના મોટા નેતા મુળુ કંડોરિયા કેસરિયો ખેસ પહેરી શકે છે. 




સુત્રો અનુસાર મળતી માહિતી પ્રમાણે, લોકસભા પહેલા કોંગ્રેસ પાર્ટીમાં મોટુ ભંગાણ થશે. આ કડીમાં સમાચાર છે કે, હવે કોંગ્રેસ માટે દ્વારકા જિલ્લામાંથી પણ માઠા સમાચાર આવી શકે છે. દ્વારકા જિલ્લાના કોંગ્રેસના દિગ્ગજ નેતા મુળુ કંડોરિયા ટૂંક સમયમાં કેસરિયો ધારણ કરશે. 2019 લોકસભા અને 2022 વિધાનસભા કોંગ્રેસની ટિકીટ પરથી લડનારા કોંગ્રેસ નેતા મુળુ કંડોરિયા કોંગ્રેસને અલવિદા કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દ્વારકા જિલ્લાના અન્ય કોંગ્રેસી અગ્રણીઓ પણ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, જામનગર - દ્વારકા લોકસભા બેઠક માટે કોંગ્રેસ ઉમેદવાર શોધવા વલખાં મારી રહી છે, ત્યારે પક્ષ માટે આ સમાચાર માઠા સાબિત થઇ શકે છે. 


લોકસભાની બાકીની 11 બેઠકો પર ભાજપ ઉમેદવાર રિપિટ ન કરે તેવી શક્યતા, જાણો કોના નામની છે ચર્ચા


લોકસભાની 26પૈકી 15 બેઠકો પર ભાજપે પહેલી યાદી જાહેર કર્યા બાદ હવે બાકીની 11 બેઠકો પર કોણ ઉમેદવાર હશે તેને લઈને ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. ભાજપની બીજી યાદી માટે 6 માર્ચે કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે ત્યારે સ્વાભાવિક રીતે જ આ બેઠકોના સાંસદોને રિપિટ કરાશે કે નહીં તેને લઈને અનેક તર્ક વિતર્ક છે. જો કે આ બેઠકો પર સાંસદોને રિપિટ કરવાના સ્થાને મહત્તમ નવા ચહેરા ઉતારાય તેવો તર્ક છે.


દશકોથી ગઢ એવી મહેસાણા બેઠક પર પાટીદારો અને તે પણ કડવા પાટીદાર મતદાતાઓનું પ્રભુત્વ હોવાને કારણે મહેસાણા બેઠક પરથી કડવા પાટીદાર સમાજની કોઈ મહિલાને ભારતીય જનતા પક્ષ ટિકિટ આપે તેવી શક્યતા છે. સુરેન્દ્રનગર બેઠક પર કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાને રિપિટ કરાવવાની શક્યતા ઘણી ઓછી છે. જો કે આ બેઠક પરથી કોળી સમાજના કોઈ એક ચહેરાને ભાજપ ટિકિટ ફાળવી શકે છે. ભાવનગર બેઠક પર ભારતીબેન શિયાળને રિપિટ ન કરાય તે સંજોગોમાં કોળી સમાજના જ યુવા નેતા એવા હીરા સોલંકીને ટિકિટ ફાળવી અમરીશ ડેરને કૉંગ્રેસમાંથી લાવવાની રણનીતિ ઘડાઈ હોવાની ચર્ચા અને તર્ક છે.


સાબરકાંઠામાં દિપસિંહ રાઠોડને ફરીથી ટિકિટ મળે તેની શક્યતા ઓછી જોવાઈ રહી છે. આ સંજોગોમાં સાબરકાંઠા બેઠકથી ઓબીસી સમાજના ઠાકોર ઉમેદવાર પર હાઈકમાન્ડ કોઈ નવા જ ચહેરા પર પસંદગીનો કળશ ઢોળી શકે છે. અમદાવાદ પૂર્વ બેઠકથી ભાજપ હસમુખ પટેલને ફરીથી લોકસભાની ટિકિટ મળી શકે છે. તેમ છતા છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાય તો નક્કી નહીં. દાહોદ અને વલસાડમાં આદિવાસી ઉમેદવાર તરીકે કોને ટિકિટ મળે તેવી અટકળો ચાલીર હી છે. આ બંન્ને બેઠકો પૈકી એક બેઠક પર વર્તમાન સાંસદનું પત્તુ કપાઈ શકે છે. સુરતમાં ગોવિંદ ધોળકીયાને રાજ્યસભામાં તક મળી હોવાથી કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ માટે હજુ પણ લોકસભામાં જવાનો માર્ગ ખુલ્લો છે. જો કે દર્શનાબેનને રિપિટ ન કરાય તો સ્થાનિક શિક્ષિત મહિલાને ભાજપ ચૂંટણી મેદાને ઉતારી શકે છે.