જામનગરઃ કોરોના વાયરસના હાહાકારને કારણે વિશ્વભરમાં અનિશ્ચિતતાનો માહોલ છે ત્યારે તેની આડઅસર જેવી એક કમનસીબ ઘટના સૌરાષ્ટ્રમાં બની છે. આ ઘટનામાં જામનગરના ધ્રોળમાં ભાજપના ટોચના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્યની પુત્રીએ આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. કાલાવડના પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડાની પુત્રી રિધ્ધીએ ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવા માગતી હતી પણ લોકડાઉનના કારણે બધું બંધ થઈ જતાં હતાશાના કારણે તેણે આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે.

કાલાવડના પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડાની 21 વર્ષની પુત્રી રિધ્ધિએ અમદાવાદની કોલેજમાં બી.ઈ. કરી હતી અને એન્જિનિયરિંગમાં માસ્ટર્સ ડીગ્રીના અભ્યાસ માટે કેનેડા જવાની હતી. બધી ગોઠવણ થઈ ગઈ હતી ત્યાં કોરોના વાયરસના કારણે લોકડાઉન આવી પડતાં બધું બંધ થઈ ગયું. તેના કારણે રિધ્ધી અટવાઈ હતી.

લોકડાઉનના કારણે હવાઈસેવા બંધ કરી દેવાતાં કેનેડા ન જઈ શકાતા રિધ્ધિ હતાશ થઈ ગઈ હતી. રિધ્ધિને પોતાના ભવિષ્ય પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હોવાની લાગણી થતાં તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું કહેવાય છે. રિધ્ધિએ ફુલવવડી રોડ પરના બંગલામાં આપઘાત કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.

મેઘજી ચાવડા અને તેમનાં પત્નિ એક બિમાર સગાની ખબર પૂછવા પોરબંદર ગયાં હતાં ત્યારે આ ઘટના બની હતી. મેઘજી ચાવડા 2012થી 2017 દરમિયાન કાલાવાડ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.