ભાજપમાંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. રાજયની 6 મનપા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન કુલ 7 હજાર 257 લોકોએ ફોર્મ ઉપાડ્યા છે. જેમાં સૌથી વધારે અમદાવાદ મનપામાં 2 હજાર 37, સુરત મનપામાં 1 હજાર 949, વડોદરા મનપામાં 1 હજાર 451, રાજકોટ મનપામાં 681, જામનગર મનપામાં 543 અને ભાવનગર મનપામાં ચૂંટણી લડવા 596 લોકોએ ફોર્મ ઉપાડ્યા છે.


નોંધનીય છે કે, 21 ફેબ્રુઆરીએ ગુજરાતની 6 મહાનગર પાલિકાઓનું મતદાન થશે અને 23 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. તો પાલિકા-તાલુકા અને જિલ્લા પંચાયતોનું મતદાન 28 ફેબ્રુઆરીએ થશે અને બીજી માર્ચે પરિણામ જાહેર થશે. આજથી ભાજપના નિરીક્ષકોએ સેન્સ લેવાનું શરૂ કર્યું છે.

જામનગર અને ભાવનગરમાં સેન્સ પ્રક્રિયા બાદ રાજકોટમા સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. હાલ સૌરાષ્ટ્રની ત્રણેય મહાનગરપાલિકા પર ભાજપનો કબજો છે . રાજકોટ મહાપાલિકામાં 18 વોર્ડ અને 72 બેઠક છે તો જામનગર મહાનગર પાલિકામાં 16 વોર્ડ અને 64 બેઠક છે. ભાવનગર મહાનગરપાલિકા 13 વોર્ડ 52 બેઠક માટે ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ઉમેદવારો માટે ભાજપે નિયમો બનાવ્યા છે. જે મુજબ સ્થાનિક અને જૂના કાર્યકરોને પ્રાધાન્ય આપવામાં આવશે. ઉપરાંત રામમંદિર નિર્માણ નિધિમાં કરેલા સહયોગની વિગતો પણ દાવેદારોએ આપવાની રહેશે. તેમજ ટિકિટ લેવા ઇચ્છતા કાર્યકરોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓથી કેટલા લોકોને લાભ અપાવ્યો તેની પણ વિગતો આપવાની રહેશે.