રાજ્યમાં આગામી પાંચ દિવસ કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. તો આગામી બે દિવસ ઠંડા પવનો ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો થતાં લોકો ઠુંઠવાયા છે.


હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ રાજ્યમાં ભારે કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે. તેમાં પણ કચ્છ- સૌરાષ્ટ્ર, પોરબંદર, ભાવનગરમાં ઠંડા પવનો ફૂંકાશે.

રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં ત્રણ ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 10 ડિગ્રી, ગાંધીનગરમાં 8 ડિગ્રી, રાજકોટ, કેશોદ, પોરબંદર, અમરેલી અને ડીસામાં 9 ડિગ્રી તાપમાન નોંધાતા કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

રાજ્યનાં 8 શહેરોમાં સિંગલ ડિજીટમાં ઠંડી જોવા મળી હતી. એક જ દિવસમાં નલિયા અને પોરબંદરમાં સામાન્ય કરતા 6 ડિગ્રી જેટલું તાપમાન નીચે ગગડી ગયું છે. અમદાવાદમાં પણ આગામી દિવસમાં 9થી10 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લે થોડા સમય માટે તાપમાન સામાન્ય થયા બાદ અચાનક તાપમાન ગગડી ગયો હતો. પરંતુ અચાનક જ ફરી એકવાર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. પરિણામે ગુજરાતીઓ ફરી એકવાર સ્વેટર અને ધાબળા અને તાપણીનો સહારો લેવો પડી રહ્યો છે. ઠંડીના ચમકારાની સાથો સાથ વધી ગયેલા ધુમ્મસનાં કારણે લોકોના જનજીવન પર વિપરીત અસર પડી શકે છે.