થોડા દિવસ પહેલાં જ 14મી ગુજરાત વિધાનસભાના છેલ્લા બજેટસત્રના છેલ્લા દિવસે એટલે કે મોડી રાત સુધી 1 એપ્રિલે રખડતા ઢોર નિયંત્રણ વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. આ વિધેયક કાયદો બને તો શહેરોમાં વસતા માલધારી-રબારી અને પશુપાલકોને ગાય-ભેંસ રાખવા લાઇસન્સ લેવું પડશે. લાયસન્સ ના લેનાર માલધારી લોકોને દંડ થશે અને ફરિયાદ પણ નોંધાઈ શકે છે. આ કાયદાની કડક જોગવાઈનો રાજ્યભરમાં માલધારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.


સી. આર. પાટીલે શું કહ્યુંઃ
માલધારી દ્વારા થઈ રહેલા વિરોધની વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે આ અંગે નિવેદન આપ્યું છે. સી. આર પાટીલે કહ્યું છે કે, આવા કાયદાની જરૂર નથી એવી માગણી મને વાજબી લાગે છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કાયદાની જરુરિયાત મુદ્દે ફેરવિચારણા કરવા માટે વિનંતિ કરી છે. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, મને પણ લાગે છે કે મહાનગરપાલિકામાં જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પૂરતી છે. મારી પાસે સમાજના આગેવાનો આવ્યા હતા અને તેમણે વિનંતી કરી હતી કે આ વિધેયક કાયદો ના બનવું જોઈએ. મેં મુખ્યમંત્રીને સવારે વિનંતી કરી હતી કે આ કાયદા માટે ફેરવિચારણા કરવી જોઈએ. 


વિધેયકનો થયો વિરોધઃ
રખડતા ઢોરને લઈને તાજેતરમાં જ વિધાનસભામાં કાયદો પસાર થતાં માલધારી સમાજમાં નારાજગી વ્યાપી છે. ગુજરાતભર માંથી માલધારી સમાજ દ્વારા આ કાયદાને કાળો કાયદો ગણાવીને વિરોધ કરી રહ્યા છે. આજે અમદાવાદ કલેકટર કચેરી ખાતે ગુજરાત માલધારી મહા પંચાયત દ્વારા વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ધારાસભ્ય રઘુ દેસાઈ, લાખા ભરવાડ સહિતના આગેવાનો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.


શું છે કાયદામાં જોગવાઈઃ
રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા માટે સરકારે વિધાનસભામાં પાસ કરેલા વિધેયકમાં જોગવાઈ કરાઈ છે કે, શહેરી વિસ્તારોમાં પશુ રાખવા લાઇસન્સ લેવું પડશે અને લાઇસન્સ ધરાવનારે 15 દિવસમાં ઢોરને ટેગ લગાવવો પડશે. આ કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની કેદની સજા અને 5થી 20 હજાર સુધીના દંડની જોગવાઇ પણ કરાઇ છે. આ કાયદામાં જેલની સજા અને 1 લાખના દંડ સુધીની કડક જોગવાઈઓ પણ છે. આ કડક કાયદાને લઈને માલધારી સમાજ વિરોધ કરી રહ્યો છે.