પાટણ જિલ્લામાં બહુ ચર્ચિત ડબલ મર્ડર કેસ મામલે આજે પાટણ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. આ કેસની મુખ્ય આરોપી કિન્નરી પટેલને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે કિન્નરીને તેની જીંદગીના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી છે. ત્રણ વર્ષ બાદ હવે આ કેસમાં કોર્ટે ન્યાય આપ્યો છે.


પોટેશિયમ સાઈનાઈડ આપી હત્યા કરીઃ
આ ડબલ મર્ડરની ઘટના વર્ષ 2019માં બની હતી. વિગતો જોઈએ તો કિન્નરી પટેલ નામની યુવતીએ પોતાના સગા ભાઈ અને 14 માસની ભત્રીજીને ક્રુર હત્યા કરી હતી. કિન્નરી પટેલે પોતાના ભાઈની મિલકત માટે ભાઈને પોટેશિયમ સાઈનાઈડ આપી દીધું હતું જેમાં ભાઈ અને તેની 14 માસની પુત્રીનું મોત થયું હતું.  આ ઘટનામાં કોર્ટે થોડા દિવસ અગાઉ જ કિન્નરી પટેલને પાટણ સેશન્સ કોર્ટે ડબલ મર્ડરના ગુનામાં આરોપી ઠેરવી હતી. 


ત્રણ વર્ષ બાદ મળ્યો ન્યાયઃ
પાટણ સેશન્સ કોર્ટે આજે આ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતાં કિન્નરી પટેલને આજીવન કેદની સજા ફટાકારી છે. ત્રણ વર્ષ પહેલાં મિલકત માટે પોતાના સગા ભાઈ અને 14 માસની ભત્રીજીની ક્રૂર હત્યા કરનાર હત્યારી બહેનને તેના કર્મોનું ફળ મળતાં હવે તેના ભાઈ અને ભત્રીજીને ન્યાય મળ્યો છે. 


 


રાજ્યમાં આજથી હીટવેવની આગાહી, અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રીને પારઃ


રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનો પારો ઉંચકાવા લાગ્યો છે અને સતત બીજા દિવસે સાત શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધારે નોંધાયો છે. અમદાવાદમાં 42.3 ડિગ્રી સાથે સિઝનમાં પ્રથમવાર ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થયો હતો. અમદાવાદમાં 42.3 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા ચાર ડિગ્રી વધારે નોંધાયો હતો.


અમદાવાદમાં આગમી ત્રણ દિવસ મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તો આજે અને આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર, સુરેંદ્રનગરમાં, જ્યારે બુધવારે બનાસકાંઠામાં કાળઝાળ ગરમીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.