ભાજપે ચૂંટણી લડ્યા વગર જ જિલ્લા તાલુકા પંચાયતની 219 બેઠક પર જીત મેળવી છે. ફોર્મ પરત ખેંચવાની મુદ્દત પૂર્ણ થતા ઉમેદવારોને લઈ ચિત્ર સ્પષ્ટ થયું છે. ચૂંટણી પહેલા કૉંગ્રેસના 165થી વધુ ઉમેદવારો પાણીમાં બેસી ગયા છે.


ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે જ મેંડેટમાં ગરબડ થવાના કારણે અનેક ઉમેદવારો ફોર્મ ભરી નહીં શકતા ભાજપને બિનહરિફ બેઠકો મળવાની શરૂઆત થઈ હતી. અત્યાર સુધીમાં જિલ્લા પંચાયતની 24 તાલુકા પંચાયતની 110 અને નગર પાલિકાની 85 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. રાજયમાં 28 ફેબ્રુઆરીએ 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા ચૂંટણી યોજાશે.

બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વતન કડી નગરપાલિકામાં ભગવો લહેરાયો. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 36 બેઠકો પૈકી 26 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. પાંચ વોર્ડની 20 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તો અન્ય વોર્ડની છ બેઠક પર પણ ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવતા મતદાન પહેલા જ ભાજપે બે તૃતીયાંશ કરતા વધુ બહુમતીની વિજય મેળવ્યો છે.

છેલ્લા 35 વર્ષથી કડી નગરપાલિકામાં સતત જનસંઘ અને ભાજપનું શાસન રહ્યું છે. તો કડી તાલુકાની નંદાસણ જિલ્લા પંચાયત, કુંડાળા અને કલ્યાણપુરા તાલુકા પંચાયતની બેઠક પર પણ ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર કરાયા છે.