હિંમતનગર: સાબરકાંઠા તાલુકાના ચાંપલાનાર ગામનો માનસિક દિવ્યાંગ યુવક લોકોના વરઘોડામાં મનમૂકીને નાચતો હતો અને મારું પણ લગ્ન થાય અને વરઘોડો નીકળે તેવા ઓરતા ગત ફેબ્રુઆરી માસમાં પુત્રના લગ્નમાં ચહેરા પર જોયેલા તેના કાકાએ નક્કી કર્યું હતું કે, ઉનાળામાં દિવ્યાંગ ભત્રીજાના કોડ પુરા કરવા છે. આ માટે દિવ્યાંગ યુવકની કંકોત્રી છપાવી, શુક્રવારે વરઘોડો કાઢી જમણવાર રાખી ઈચ્છા પૂર્ણ કરી હતી. ચાંપલાનાર ગામે કન્યા વગરના અનોખા લગ્ન યોજાયા હતાં જે જોઈને લોકો ખુશ થઈ ગયા હતાં.

હિંમતનગંરના ચાંપલાનાર ગામનો અજય બાળપણથી જ માનસિક રીતે દિવ્યાંગ છે. અજયના પિતા વિષ્ણુભાઈએ જણાવ્યું હતું કે, ચાંપલાનાર ગામમાં અજય બીજાના લગ્નના વરઘોડા જોઈને અજય હમેશાં પૂછતો કે એના લગ્ન ક્યારે થશે?

આ સવાલ સાંભળી મારી અને મારી પત્નીની આંખમાં આંસુ આવી જતાં અને છેલ્લે અજયના કાકા કમલેશભાઈએ ભત્રીજાની ઈચ્છા પૂર્ણ કરવા સહકાર આપતા લગ્ન યોજી અજયના લગ્નપ્રસંગ ધામધૂમથી યોજાયો હતો. આ વરઘોડામાં લોકો મન મૂકીને નાચ્યાં હતાં.

અજયના કાકા કમલેશભાઈ બારોટે જણાવ્યું હતું કે, અજયના વરઘોડો માટે કંકોતરી પણ છપાવી ગુરુવારે ગણેશ સ્થાપના, ગ્રહશાંતિ પણ કરી અને પીઠી પણ ચોળી અને શુક્રવારે વરઘોડો કાઢ્યો હતો. દિવ્યાંગ લોકોના નસીબમાં લગ્ન નથી હોતા પરંતુ તેમના પણ મનમાં લગ્નનાં ઓરતા હોય છે ત્યારે અજય આ બાબતે નસીબદાર રહ્યો હતો.