ડીસા-ભીલડી હાઈવે પર બે ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત, આગ લાગતાં ટ્રેલરના ડ્રાઈવર-ક્લિનર જીવતા ભૂંજાયા
abpasmita.in | 11 May 2019 11:38 AM (IST)
કોલસી ભરેલું ટ્રેલર કંડલાથી ઉદેપુર તરફ જઈ રહ્યું હતું. અકસ્માત બાદ ટ્રેલરમાં આગ લાગી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકના ડ્રાઇવર અને ક્લિનર બહાર નીકળી શક્યા ન હતા અને આગમાં જીવતા જ ભૂંજાય ગયા હતા.
ડીસા: વહેલી સવારે બે ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોનાં મોત નિપજ્યાં હતાં. વહેલી સવારે ડીસા-ભીલડી હાઇવે પર પડેલા એક ક્ષતિગ્રસ્ત ટ્રેલર સાથે પાછળથી બીજું ટ્રેલર અથડાયું હતું. આ અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઇવર અને ક્લિનરનું મોત થયું છે. કોલસી ભરેલું ટ્રેલર કંડલાથી ઉદેપુર તરફ જઈ રહ્યું હતું. અકસ્માત બાદ ટ્રેલરમાં આગ લાગી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકના ડ્રાઇવર અને ક્લિનર બહાર નીકળી શક્યા ન હતા અને આગમાં જીવતા જ ભૂંજાય ગયા હતા. આગ લાગ્યાની ઘટનાની જાણ બાદ ડીસાના બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાઈર ફાઈટરોએ ત્રણ કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. કોલસી ભરેલું ટ્રેલર પૂરપાટ ઝડપે દોડી રહ્યું હતું તે દરમિયાન તેના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં ટ્રેલર રસ્તા પર પડેલા ટ્રેલર સાથે અથડાયું હતું. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યાં છે.