ગાંધીનગરઃ ગુજરાતની એક નગરપાલિકાના ચીફ ઓફિસરે ચીફ ઓફિસર અને પ્રમુખની ઓફિસ પાસે ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. આણંદ જિલ્લાની બોરિયાવી નગરપાલિકાના ચીફ ઓફિસર મિલાપ પટેલે આદેશ આપ્યો છે કે, નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખની ઓફિસ પાસે ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશ કરવો નહીં. ચીફ ઓફિસરે (સી.ઓ) પ્રતિબંધ ફરમાવીને આવા કપડાં પહેરીને આવનારા પાસે દંડની વસુલાત કરવાનું ફરમાન જારી કર્યું છે.
આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર મિલાપ પટેલે કહ્યું કે, બોરિયાવી નગરપાલિકામાં કેટલાક લોકો પાલિકાના કામ અર્થે આવે ત્યારે કેપરી, ચડ્ડા, બનિયન જેવાં ટૂંકાં કપડાં પહેરીને આવતા હતા. આ લોકો ખુરશીમાં અસ્તવ્યસ્ત રીતે બેસતા હતા તેથી નગરપાલિકામાં કામ કરતી મહિલા કર્મચારીઓ ક્ષોભ અનુભવતી હતી. આ બાબતને ધ્યાનમાં લઇ પાલિકામાં નોટિસ બોર્ડ મૂકવામાં આવ્યું છે અને ટૂંકાં વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
ચીફ ઓફિસરે જણાવ્યું કે, નગરપાલિકામાં મહિલા કર્મચારીઓ સામે કેટલાક મુલાકાતીઓ ટૂંકા વસ્ત્રો પરિધાન કરી અસ્તવ્યસ્ત બેસતા હોવાથીની ફરિયાદ મળ્યા પછી સૂચનાઓ આપવા છતાં કોઈ ફક ના પડતાં આ ફરમાન જારી કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બોરિયાવી નગરપાલિકામાં છેલ્લા કેટલાંક સમયથી કેટલાંક લોકો કોઇ કામ અર્થે આવે ત્યારે કેપરી કે ટૂંકા ચડ્ડા પહેરીને આવતાં હતા. આ કારણે ઓફિસમાં કામ કરતી મહિલા કર્મચારીઓ ક્ષોભ અનુભવતી હતી. આ બાબત ચીફ ઓફિસરને ધ્યાને આવી હતી. નવા આવેલા ચીફ ઓફિસરે તાત્કાલિક પાલિકા પ્રમુખ, સીઓની ઓફિસ સહિત તમામ જગ્યાએ દિવાલ પર લાલ અક્ષરે નોટિસ લગાવી આવા વસ્ત્રો પહેરી કચેરીમાં ના આવવાની સૂચના લગાવી દીધી છે. પ્રમુખ કે ચીફ ઓફિસર ઓફિસમાં કોઇ પણ વ્યકિત કામ અર્થે આવે ત્યારે ટૂંકા વસ્ત્રો પહેરવા નહીં અને તેમ છતાં કોઇ ટુંકા વસ્ત્રો પહેરી આવેલા માલુમ પડશે તો તેઓની પાસેથી દંડ વસૂલવામાં આવશે એવી સૂચના લગાવી દેવાઈ છે.