રાજીનામું આપ્યાની ગણતરીની મિનિટોમાં તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. ગઢડા જિલ્લા ભાજપની બેઠકમાં કિસાન મોરચાના પ્રમુખ બાબુભાઈ જેબલિયાએ ખેસ પહેરાવી તેમનો વિધિવત પક્ષમાં પ્રવેશ કરાવ્યો હતો. થોડા દિવસો પહેલા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન સહિત 5 લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.
ડી.એમ.પટેલ ગત વિધાનસભા ચૂંટણીમાં બોટાદથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હતા. ડી.એમ. પટેલે અમિત ચાવડાને પત્ર લખી જણાવ્યું, હું ધીરજલાલ માવજીભાઈ કળથીયા (ડી.એમ.પટેલ) અમો મારી ત્રણ પેઢીથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છીએ અને મને મારા વારસામાં કોંગ્રેસ પાર્ટી મળી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં હું કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે 107-બોટાદ વિધાનસભામાંથી લડ્યો હતો અને માત્ર 906 જેવા નજીવા મતથી હાર થઈ હતી. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી તરફથી મારી સતત અવગણના, પાર્ટીને નુકસાન કરનાર લોકોને પાર્ટી તરફથી આપવામાં આવતું પ્રોત્સાહન અને જિલ્લામાં પાર્ટીને નબળી પાડવા કામ કરતા શખ્સોને મળી રહેલા પ્રોત્સાહનથી હું નારાજ થઈને કોંગ્રેસ પક્ષના તમામ સભ્ય પદેથી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિમાંથી રાજીનામું આપું છું.