Break even point: ગુજરાતીઓના લોહીમાં બિઝનેસ-વેપાર છે અને તેથી જ મોટાભાગના ગુજરાતી લોકો નાનો તો નાનો, પણ પોતાનો બિઝનેસ કરવાની મહેચ્છા રાખતા હોય છે. પરંતુ કેટલીકવાર યોગ્ય આયોજન કે પછી માર્ગદર્શનના અભાવે તેમાં સફળતા મળતી નથી. જો તમે ખરેખર તમારા બિઝનેસને પ્રગતિના ઊંચા શિખર પર લઇ જવા થનગની રહ્યા હોવ તો હાલમાં પ્રસિદ્ધ થયેલું 'બ્રેક ઈવન પોઈન્ટ' પુસ્તક ખૂબ મદદરૂપ બનશે. જેના લેખક છે ઉદ્યોગપતિ તલ્હા સરેશવાલા. આ પુસ્તકમાં નવા ઉદ્યોગ સાહસિકોને મદદ મળે તેવી ઘણી વાતો લખવામાં આવી છે.
યુવા પેઢી પોતાનો વ્યવસાય કરવા માંગે છે
અમદાવાદમાં રહેતા તલ્હાભાઇએ શેર બજારથી પોતાની સફર શરૂ કરીને કાર બિઝનેસ સુધીની સફળ મઝલ કાપી છે. તેમણે 30 વર્ષના પોતાના બિઝનેસમાં શું અનુભવ કર્યો તેનો નીચોડ આજની પેઢી માટે પુસ્તકમાં ઉતાર્યો છે. સ્ટાર્ટઅપના કોન્સેપ્ટથી આકર્ષાયેલી યુવા પેઢી પોતાનો વ્યવસાય કરવા માંગે છે અને પોતાની આર્થિક સ્વતંત્રતા મેળવવા માંગે છે. કોઈપણ વ્યવસાય વ્યવસાયિક વિચારોથી શરૂ થાય છે જે તમારા વ્યવસાયનો પાયો છે, તેથી સૌ પ્રથમ તમારે તમારા વ્યવસાય માટે એક યોજના બનાવવી જોઈએ. આ યોજના કેવી હોવી જોઈએ તેવી છણાવટ તલ્હાભાઇએ 'બ્રેક ઈવન પોઈન્ટ' નામના પુસ્તકમાં કરી છે.
કોઈ પણ ધંધામાં શરૂઆતમાં છ-બાર મહિના અડચણ પડશે
વ્યવસાય કરવા માટે તમારી પાસે કઈ લાયકાત હોવી જોઈએ, કેટલી મૂડીની જરૂર પડશે, ક્યાં ધંધો કરવો યોગ્ય રહેશે અને તમે વ્યવસાય કરવા માટે વધુ માહિતી ક્યાંથી મેળવી શકો તેનું માર્ગદર્શન પણ સીધી કે આડકતરી રીતે આ પુસ્તકમાંથી મળી જશે. કોઈ પણ ધંધામાં શરૂઆતમાં છ-બાર મહિના અડચણ પડશે. પણ પછીથી ફર્સ્ટ કલાસ ચાલશે. લોકો પણ સમજી જશે કે, આ માણસનો ધંધો ચોખ્ખો છે, ભેળસેળિયો નથી. તે એની મેળે વગર બોલાવ્યે તમારી જ દુકાનમાં આવશે. આજકાલ ઘણાં પરિવારો ફેમિલી બિઝનેસ ચલાવે છે. ફેમિલી બિઝનેસ કરતાં સમયે શું ધ્યાન રાખવું જોઈએ અને તેના શું ફાયદા છે તે પણ તલ્હાભાઇએ આ પુસ્તકમાં પોતાના જાત અનુભવ પરથી સમજાવ્યું છે. પોતાની બિઝનેસ જર્ની દરમિયાન આવેલા ઉતાર-ચઢાવના આધારે સફળ બિઝનેસમેન કેવી રીતે બની શકાય તેની ટિપ્સ પુસ્તકમાં રજૂ કરી છે.