બનાસકાંઠા: રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો થયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક વચ્ચે BSF જવાનો કોરોના સંક્રમિત થયા છે. એક સાથે 30 થી વધુ જવાનો કોરોના સંક્રમિત થતા જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તાત્કાલિક ધોરણે તમામ કોરોના સંક્રમિત જવાનોને આઇસોલેટ કરી તેમના સંપર્કમાં આવેલા અન્ય જવાનો અને લોકોના સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા 30થી વધુ BSF જવાનો કોરોના સંક્રમિત થયા હોવાની ઘટના સામે આવી છે. નાગાલેન્ડથી 1000 જવાનોની ટુકડી બનાસકાંઠાના સુઇગામ ખાતે આવી છે. સરકારી ગાઈડલાઈન અને BSFના પ્રોટોકોલ મુજબ અન્ય રાજયમાંથી આવેલા તમામ જવાનોની આરોગ્ય ચકાસણી કરાઈ હતી. જેમાંથી કેટલાકને શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા હતા.
30 જેટલા જવાનોનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. તાત્કાલિક તમામ અસરગ્રસ્ત જવાનોને થરાદની મોડેલ સ્કૂલમાં આઇસોલેટ કરાયા છે. અસરગ્રસ્ત જવાનોના સંપર્કમાં આવેલા તમામ જવાનો અને લોકોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરાઈ છે.
ગુજરાતમાં કોરોના
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) નવા કેસમાં સ્ટેબલ થયા છે. રાજકોટ સહિત 3 શહેર અને અમદાવાદ સહિત 23 જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 33 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 71 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.72 ટકા થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું છે.
અહીં ન નોંધાયો એક પણ કેસ
5 કોર્પોરેશન વિસ્તાર અને 10 જિલ્લામાં જ કોરોનાના નવા કેસ નોધાયા છે. વડોદરા શહેરમાં 5, અમદાવાદ શહેરમાં 4, સુરત શહેર અને તાપી જિલ્લામાં 4 કેસ નોંધાયા છે. બીજી વેવમાં રાજ્યમાં સતત એક સપ્તાહથી 50થી ઓછા કેસ નોઁધાયા છે. અગાઉ રાજ્યમાં 2020ની 12 એપ્રિલે 48 કેસ નોંધાયા હતા. અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, મહેસાણા, મહિસાગર, મોરબી, કચ્છ, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, સુરતમાં એક પણ કેસ નોંધાયો નથી.
હાલ કેટલા દર્દી છે વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 24 હજાર 493ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 13 હજાર 924 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 493 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 488 દર્દીની હાલત સ્થિર છે.