ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ફરી વરસાદ શરૂ થયો છે. ત્યારે હવે વરસાદને લઈને વધુ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં મેઘમહેર યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ યથાવત રહેશે. ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ આવતો રહેશે, તેવી હવામાન વિભાગની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે રાજ્યમાં 48 રોડ રસ્તા બંધ છે. સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં રોડ રસ્તા બંધ થયા છે. સુરતના 15, નવસારીના 6 અને વલસાડના 28 રસ્તા બંધ થયા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી પાંચ દિવસ ભારે વરસાદ (Rain) વરસી શકે છે. હવામાન વિભાગના મતે પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ (Rain) વરસી શકે છે. જ્યારે ભરૂચ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદ (Rain)ની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જ્યારે વડોદરા, નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
બીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ (Rain)ની આગાહી છે. ત્રીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ (Rain) વરસી શકે છે. આ સિવાય આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં સામાન્યથી હળવો વરસાદ (Rain) વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ આવી શકે છે. 23 જુલાઈએ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાશે. 24 જુલાઈથી રાજ્યમાં ફરી એકવાર વરસાદી અસર વધશે. 5 દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત સાધારણ રહી છે. રાજ્યમાં અત્યાર સુધી 23 ટકા વરસાદ થયો છે અને ગયા વર્ષે 18 જુલાઇ સુધી રાજ્યમાં 36 ટકા વરસાદ થયો હતો. આમ ગયા વર્ષની સરખામણીએ 13 ટકા ઓછો વરસાદ વરસ્યો છે. અને સરેરાશની સામે રાજ્યમાં 39 ટકાની ઘટ છે.