અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ગુજ રાતની રાજનીતિને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં છોટુ વસાવાની બીટીપી પાર્ટી અને અસદ્દુદીન ઔવેસીની પાર્ટી AIMIM સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે. મહારાષ્ટ્રના સાંસદ ઈમ્તિયાઝ જલીલ અને વારીશ પઠાણ અને છોટુ વસાવા વચ્ચે મળેલી બેઠક બાદ બંને પક્ષો વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.


ગઠબંધનની જાહેરાત કરતા છોટુ વસાવાએ કહ્યું કે ગુજરાતમાંથી ભાજપ અને કૉંગ્રેસને જાકારો અપાવવા ગઠબંધન જરૂરી હતું. બીટીપી અને AIMIM સાથે રહીને ગુજરાતના લોકોનો અવાજ બનશે. છોટુ વસાવાએ ખાસ વાતચીતમાં જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બંને પાર્ટીઓ સાથે મળીને લડીશું. ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજાની બી ટીમ છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પણ લડીશું. ભાજપ અને કોંગ્રેસ બંને શાસનમાં નહિ હોય તો પરિવર્તન આવશે, લોકો સુખી થઈ જશે.

સાંસદ ઈમ્તિયાઝ ઝલીલે મીડિયા સામે કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસથી નારાજ વ્યક્તિઓ માટે અમારા દરવાજા ખુલ્લા છે. છોટુ વસાવા અને મહેશ વસાવાને અમે હૈદરાબાદ આવવા નિમંત્રણ આપ્યું છે. ગુજરાતમાંથી ભાજપ અને કોંગ્રેસ બંનેને મુક્ત કરવામાં આવશે. અમારા માટે ગર્વની વાત છે કે, છોટુ વસાવા સાથે અમે ગઠબંધન કર્યું. છોટુ વસાવાએ રાજનીતિ ઓછી કરી, અને સેવા વધુ કરી છે.