ડાંગ: ડાંગથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક બસ 15 ફૂટ નીચે ખીણમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 2 બાળકોના મૃત્યુ થયા છે, જ્યારે અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સાપુતારા ઘાટમાં સુરતની લક્ઝરી બસ ઊંડી ખીણમાં  ખાબકી હતી. 


લક્ઝરી બસમાં 70  જેટલાં પ્રવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. લક્ઝરીના ખીણમાં પડવાની માહિતી મળતાં  સાપુતારા પોલીસ અને 108 ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરુ કર્યું હતું અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.ઘટના સ્થળે સાપુતારા પોલીસ અને 108ની ટીમે બચાવ કાર્ય શરૂ કર્યું છે. લક્ઝરી  ટ્રાવેલ્સની બસ હતી અને સુરત ચોક બજારથી વહેલી સવારે 70 પ્રવાસીઓને લઈને ડાંગના પ્રવાસે ઉપડી હતી.


બે બાળકોના મોત થયા 


લક્ઝરી બસ ટ્રકને ઓવરટેક કરવા જતાં  ખીણમાં ખાબકી હતી. જાણવા મળતી વિગતો મુજબ બસમાં અંદાજે 70 પ્રવાસી સવાર હતા. જેમાંથી સુરતના બે  બાળકોના મોત થયા છે. જ્યારે અન્ય ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 


બસ રવિવારે સવારે સુરત ચોક બજારથી પ્રવાસીઓ સાથે સાપુતારા જવા રવાના થઈ હતી અને ત્યારબાદ પરત સુરત તરફ જતી હતી. રસ્તાની વચ્ચે ઓવરટેક કરતી વખતે બસના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો, જે પછી બેકાબૂ બસ  દિવાલ સાથે અથડાઈ હતી અને ખીણમાં પડી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવાની કામગીરી ચાલી રહી છે. પ્રવાસીઓ સાપુતારાની મુલાકાત લઈને સુરત પરત ફરી રહ્યા હતા. આ ઘટના સાપુતારાથી 2 કિમી દૂર સાપુતારા-માલેગામ નેશનલ હાઈવે ઘાટ પર બની હતી.