ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે આ પેટાચૂંટણીના બહાને વિજય રૂપાણી સરકારના વરિષ્ઠ મંત્રી સૌરભ પટેલનું પત્તુ કાપવાનો તખ્તો પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ઘડ્યો હોવાનો દાવો ગુજરાતના ટોચના અખબારના અહેવાલમાં કરવામાં આવ્યો છે.

આ અહેવાલ પ્રમાણે ગઢડા બેઠક પર પૂર્વ મંત્રી આત્મારામ પરમારને ટિકીટ આપવાનું લગભગ નક્કી છે. પાટીલ દ્વારા આત્મારામ પરમારને ચૂંટણી જીતાડી ફરી એક વાર મંત્રીપદ આપવા ગોઠવણ કરવામાં આવી છે. આ અહેવાલમાં દાવો કરાયો છે કે, બબ્બે વાર વિધાનસભાની ચૂંટણી હારનારાં આત્મારામ પરમારને ટિકીટ આપવા પાછળ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની યોજના પાટીદાર મંત્રી સૌરભ પટેલનુ પત્તુ કાપવાની છે.

પૂર્વ મંત્રી આત્મારામ પરમાર અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે ગાઢ મિત્રતા છે અને બંને સુરતવાસીઓ છે આ મિત્રતા નિભાવવા પાટીલે દલિત નેતૃત્વને જીવંત કરવાના બહાને આત્મારામને ગઢડા બેઠક પર ચૂંટણી લડાવવા નક્કી કર્યુ હોવાનો દાવો કરાયો છે. આત્મારામ પરમાર પેટાચૂંટણી જીતે અને તેમને મંત્રી બનાવાય તો એક જિલ્લામાંથી બે કેબિનેટ મંત્રી ન હોઇ શકે. હાલમાં ઉર્જા મંત્રી સૌરભ પટલે બોટાદ જિલ્લાનુ પ્રતિનિધીત્વ કરી રહ્યાં છે. આત્મારામ પરમાર મંત્રી બનશે તો સૌરભ પટેલની મંત્રીમંડળમાંથી બાદબાકી થઇ શકે છે.