ગાંધીનગર: ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળતા જ સી.આર. પાટીલે નેતા અને કાર્યકર્તાઓને સ્પષ્ટ સંકેત આપ્યો છે. પક્ષમાં ગમા અણગમાથી પર રહી મકક્મ નિર્ણય લેવાનો સીઆર પાટીલે નિર્ધાર કર્યો છે. સી.આર. પાટીલે કહ્યું, પક્ષના હિતમાં જરૂર પડશે તેવા મક્કમ નિર્ણય લઈ પક્ષને વધુ મજબૂત કરીશ.

મુખ્યમંત્રીએ 2022માં ફરી ભાજપની જીત થશે તેવો હુંકાર ભર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યુ, કે દિલ્લી અને કર્ણાટકની ચૂંટણીમાં સી.આર. પાટીલની કામગીરી ખુબ સારી રહી છે, તેમના બહોળા અનુભવનો ફાયદો થશે. ભાજપમાં સૌ કાર્યકર્તાઓ પદને પોતાની જવાબદારી માનીને કામ કરે છે.

સીઆર પાટીલે પડકાર ફેંક્યો કે રાજ્યમાં ભાજપ તમામ પડકારોને જીલીને આગળ આવશે અને ભાજપ વધુ મજબૂત થાય તેવી સૌ સાથે મળીને કામગીરી કરીશું. ભાજપના પૂર્વ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પણ તમામ કાર્યકર્તાઓ અને જનતાનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે સોમવારે નવસારીના સાંસદ સી.આર. પાટીલને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. સી.આર.પાટીલને પ્રધાનમંત્રી મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની નજીકના માનવામાં આવે છે.