અમદાવાદ બાદ મહેસાણામાં પણ ઢોર પકડવા ગયેલી નગરપાલિકાની ટીમ પર હુમલો થયો હતો. એક જ સપ્તાહમાં વિસનગરમાં બીજી ઘટના બની હતી. કેટલાક પશુ પાલકોએ લાકડી સહિત અન્ય હથિયારો સાથે ઢોર પકડવા ગયેલી પાર્ટી પર હુમલો કર્યો હતો.
એટલું જ નહીં પશુ પકડવા અહીં કેમ આવો છો તેમ કહીને ધમકાવવામાં પણ આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હુમલામાં કેટલાક કર્મચારી ઈજાગ્રસ્ત થયાના પણ અહેવાલ મળી રહ્યા છે. જો કે એક સાથે 15થી 20 લોકો એકઠા થઈ જતા ઢોર પકડવા ગયેલી પાર્ટીના કર્મચારીઓ ત્યાંથી ભાગી ગયા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ પશુપાલકો સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી હતી.
બીજી તરફ અમદાવાદમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર ફરી હુમલો થયો હતો. સોમવારે મોડી રાત્રે AMCની ટીમ પર સરખેજના મકરબા વિસ્તારમાં હુમલો થયો હતો. કેટલાક શખ્સોએ પથ્થરમારો પણ કર્યો હોવાનો આરોપ લાગ્યો હતો. જો કે ઘટનામાં કોઈને ઈજા થયાના અહેવાલ નથી. જ્યારે કેટલાક લોકો ઢોરને છોડાવીને ફરાર થયા હતા. ઘટનાની જાણ થતા સરખેજ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઢોર પકડતા કર્મચારીઓ અને એએમસીના વાહનનોને સરખેજ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ચાર પુરુષ અને ચાર મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. AMCના સિનિયર સેક્શન ઓફિસરે ફરિયાદ નોંધાવી હતી.
રખડતા ઢોર નિયંત્રણ પોલીસીને લઈ રાજકોટમાં પ્રશાસન એક્શનમાં આવ્યું છે. મેયર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો. ઢોર પકડ કામગીરીમાં વિક્ષેપ કરનાર લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાશે. મહાનગરપાલિકા આજથી ઢોર પકડવાની કામગીરી કડક રીતે કરશે. જે ઢોર પકડવાની કામગીરીમાં પોલીસ પણ સાથે રહેશે.
ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ અમદાવાદમાં CNCD વિભાગે છેલ્લા બે મહિનામાં શહેરમાંથી 5352 પશુ પકડ્યા હતા. સપ્ટેમ્બર મહિનામાં 3320 અને ઓક્ટોબર મહિનામાં 2032 પશુ પકડવામાં આવ્યા હતા. એપ્રિલ 2023 થી ઓક્ટોબર 2023 સુધીમાં શહેરમાથી 11107 પશુ પકડાયા હતા. 6135 પશુઓને સંચાલકોએ ન છોડાવતા ઢોરવાડામાં ખસેડવા કામગીરી કરી હતી. રખડતા શ્વાન મામલે પણ છેલ્લા બે મહીનામાં 6721 શ્વાનનું ખસીકરણ કરાયું હતું. સપ્ટેમ્બર 2023 માં 3742 અને ઓક્ટોબર 2023 માં 2979 શ્વાનના ખસીકરણ કરાયું હતું. એપ્રિલ 2023 થી ઓક્ટોબર 2023 સુધીમાં 26682 શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું હતું. નવી ઢોર નિયંત્રણ પોલિસીની અમલવારીની જાહેરાત બાદ શહેરમાં 2310 નવા પશુઓના રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા.