વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા હતા. બે દિવસ ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાને સોમવારના સાંજના રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આવનારા પાંચ વર્ષ માટે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે તેમની વરણી કરવામાં આવી હતી. એટલે કે વધુ પાંચ વર્ષ માટે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વડાપ્રધાન સેવા આપશે. પીએમ મોદી દ્વારા સોમનાથ ટ્રસ્ટે તૈયાર પીએમ મોદીના આહવાન પર 'મેરી મિટ્ટી મેરા દેશ'નો વીડિયો લોકો સમક્ષ મુકવામાં આવ્યો. આ વીડિયોમાં સોમનાથ મંદિરના ઈતિહાસ, વીર રસ અને મંદિરની ધરોહરને ઉજાગર કરવામાં આવી છે.




ઉપરાંત આ બેઠકમાં સોમનાથ મંદિરના અનેક વિકાસલક્ષી કાર્યોને પણ લીલીઝંડી આપવામાં આવી હતી. તો આજની બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ તેમજ અન્ય માહિતી શ્રદ્ધાળુઓને મળી રહે તે માટે ડેશબોર્ડનો પ્રારંભ કરાવ્યો હતો. તો અયોધ્યા રામ મંદિર નિર્માણ સંદર્ભે મંત્ર લેખન અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ બુકમાં પ્રથમ મંત્ર નરેન્દ્રભાઈ મોદીએ લખી શુભ શરૂઆત કરી હતી તો સોમનાથ ટ્રસ્ટની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ અને પર્યાવરણ ક્ષેત્રે કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. પીએમ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી હતી. આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હાજર રહ્યાં હતા. 






વડાપ્રધાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. અમે ટ્રસ્ટની કામગીરીને લગતા વિવિધ પાસાઓની ચર્ચા કરી. અમે મંદિર સંકુલ માટે અદ્યતન ટેકનોલોજીનો લાભ કેવી રીતે લઈ શકીએ તેની સમીક્ષા કરી જેથી તીર્થયાત્રીઓનો અનુભવ વધુ યાદગાર બની રહે. તેમજ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવતા વિવિધ પર્યાવરણને અનુકુળ પગલાંની સમીક્ષા કરી હતી.


છેલ્લા 14 મહિનામાં 124 કરોડ લોકોએ લાઈવ દર્શનમાં જોડાયા હતા. જ્યારે સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટની મારફતે રૂમની બુકિંગની વ્યવસ્થા, પૂજા વિધિ માટે રજીસ્ટ્રેશન અને દાન પણ ઓનલાઇન આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ભગવાન સોમનાથની સાથે સાથે ભાલકા મંદિર તથા રામ મંદિરના લોકો લાઈવ દર્શન કરી શકે તે માટે ટ્રસ્ટની વેબસાઈટ પર સુવિધા પણ શરુ કરવામાં આવી છે.  સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરમાં જે અભિષેક કરવામાં આવે છે તે પાણીને ત્રણ સ્તરો પર ટ્રીટમેન્ટ કરીને સોમ ગંગાના રૂપમાં કાચની બોટલમાં પેક કરીને તેને પ્રસાદી તરીકે આપવામાં આવે છે.