અમદાવાદઃ ગુજરાતમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ સરકારે રાહત આપી હોવા છતાં PUC કેન્દ્રો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોનો ઘસારો જોતા કેટલાક કેન્દ્રો રાત્રે પણ ખુલ્લા હયો છે. બીજા બાજુ લોકો ફરિયાદ કરી રહ્યા છે કે PUC કેન્દ્રો પર વાહનચાલકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. PUC કેન્દ્ર ધારકો લોકોની મજબૂરીનો ફાયદો ઉઠવીને નિયમ કરેલી કિંમત કરતાં વધારે ચાર્જ વસૂલી રહ્યા છે.


આ મામલે ગુજરાત વાહન વ્યવહાર કમિશ્નરે 13 સપ્ટેમ્બરે એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં PUC કન્દ્રો કેટલો ચાર્જ વસૂલી શકે તેની વિગતો આપવામાં આવી છે. સાથે જ એવું પણ કહ્યું છે કે, જો કોઈ નિયન કરેલી રકમ કરતાં વધારે કિંમત વસૂલે તો PUC કેન્દ્રની માન્યતા રદ્દ કરવા સુધીના પગલા ભરવામાં આવશે.



પરિપત્ર અનુસાર દરેક વાહન માટે PUCની જે રકમ નક્કી કરવામાં આવી છે તે મુજબ, મોપેડ - 10 રૂપિયા, ટુ વ્હીલર (મોપેડ સિવાય)- 20 રૂપિયા, થ્રી વ્હીલર (એલપીજી/પેટ્રોલ) 25 રૂપિયા, થ્રી વ્હીલર (ડીઝલ) - 25 રૂપિયા, એલ.એમ.વી - 50 રૂપિયા અને મીડિયમ અને હેવી વાહનો- 60 રૂપિયા ચાર્જ લઈ શકાશે.



વાહન વ્યવહાર કમિશનરની કચેરીના પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે ગેરકાયદેસર ચાર્જ વસૂલ કરનાર પીયુસી સેન્ટર વિરૂધ્ધ કોઇપણ વ્યકિત સંબંધિત આરટીઓ અને વાહન વ્યવહાર કમિશનર કચેરીને ફરીયાદ કરી શકશે. હાલ રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ ટ્વિટર હેન્ડલ પર સક્રિય છે. તમે આ અંગે જે તે આરટીઓ કચેરીને ટેગ કરીને ટ્વિટર પર પણ ફરિયાદ કરી શકો છો. ઉપરાંત મતે ઈમેલ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો. ગુજરાત વાહનવ્યવહાર કમિશ્નરનું ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ @cotguj છે.