Chhota Udepur : છોટા ઉદેપુર જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. સરકારે સર્વે કરીને નુકસાનનું વળતર આપવાની જાહેરાત કરી હતી.  જો કે  દોઢ મહિનો થવા છતાં છોટા ઉદેપુરના ખેડૂતોને  અતિવૃષ્ટિ સામે નુકસાનનું વળતર નથી મળ્યું, જેના કારણે ગરીબ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. 


સમગ્ર જિલ્લામાં મોટાપાયે થયું હતું નુકસાન 
છોટાઉદેપુર જિલ્લામાં ગત 10 અને 11 જુલાઈના રોજ આકાશી આફત વરસી હતી અને  મુશળધાર વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં મોટાપાયે ખેતીમાં નુકસાન થયું હતું.  ખેડૂતોનો મહામુલો પાક પાકે એ પહેલાં જ ધોવાઈ ગયો.


જિલ્લામાં અંદાજીત રૂપિયા 51 કરોડનું નુકસાન
છોટાઉદેપુર જિલ્લામાં સરકારી ચોપડે નોંધાયેલ ખેતી નુકસાનની વાત કરીએ તો જિલ્લામાં અંદાજીત રૂપિયા 51 કરોડનું નુકસાન થયું છે.  જિલ્લામાં 51,580 હેકટરમાં 33 ટકા કે તેનાથી વધુ નુકશાન થયું છે. જેમાં બોડેલી તાલુકામાં 19133 હેકટર, સંખેડા તાલુકામાં 14203 હેકટર, કવાંટ માં 10645, જેતપુરપાવી 5154, નસવાડી 1501 અને છોટાઉદેપુર તાલુકામાં 944 હેકટર જમીનમાં ખેતીને નુકશાન થયું છે. 


ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો
જિલ્લામાં પ્રારંભિક સારા ચોમાસાને લઈ ખેડૂતોને સારા ઉત્પાદનની આશા જાગી પરંતુ મોંઘું બિયારણ, મોંઘા ખાતર બાદ પોતાનો લોહી પરસેવો પાડી કરેલ ખેતીને કુદરતી આફતે તો ધોઈ નાખી, પરંતુ સરકારે પણ આજદિન ખેતી નુક્શાનનું વળતર ન ચૂકવતા ગરીબ ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.


વ્યાજે ઉધાર નાણા લઇ ખેતી કરવા મજબૂર બન્યા ખેડૂતો 
છોટાઉદેપુર તાલુકાના ઓડિઆંબા ગામના મહિલા અને આદિવાસી ખેડૂત કાંતિબેન રાઠવા તેમના ખેતરમાં ફરીથી વાવેતર કરી રહ્યાં છે. અગાઉ તેમણે કરેલ કપાસની ખેતી દોઢ માસ પહેલા અતિવૃષ્ટિમાં ધોવાઈ ગઈ. કાંતિબેનને 25 હજાર જેટલું નુકશાન થયું હતું. ફક્ત ચોમાસા ખેતી ઉપર નિર્ભર કાંતિબેને સરકારની સહાયની રાહ જોઈ કે ફરીથી ખેતી કરી પગભર થાય. 


પરંતુ આજદિન સુધી કોઈ વળતર ન મળતા આખરે વ્યાજ ઉપર ઉધાર રૂપિયા લાવી ખેતી કરવા મજબૂર બની છે. આ સ્થતી ફક્ત કાંતિબેનની નહિ પરંતુ આવા તો એમના જ ગામમાં 60 જેટલા ખેડૂતો છે. અને સમગ્ર જિલ્લામાં તો હજારો ખેડૂતોની હાલત દયનિય બની છે.


વળતર ન મળતા મુશ્કેલીમાં મૂકાયા
અતિવૃષ્ટિને લઈ ખુદ કૃષિ મંત્રી રાઘવજી પટેલે 20 જૂલાઈએ જિલ્લાની મુલાકાત લીધી ત્યારબાદ કેન્દ્રની ટીમે પણ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું અને જિલ્લા પ્રશાસન દ્વારા સર્વેની કામગિરી પૂર્ણ કરી રિપોર્ટ આપ્યાને પણે મહિનો થવા આવ્યો પરંતુ આજદિન સુધી ખેડૂતોને વળતર ન મળતા મુશ્કેલીમાં મૂકાયા છે, હાલ તો સૌ ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે વળતર તો આપો સરકાર.