નર્મદા: ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ગઈકાલે પોલીસે ધરપકડ કરી છે. હાલમાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. પોલીસે તેમના પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. જોકે, કોર્ટે ચૈતર વસાવાને જામીન પણ આપ્યા નથી. હવે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને કોર્ટમાં જતા રોકવામાં આવ્યા છે. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું છે. ગોપાલ ઈટાલિયા ચૈતર વસાવાના વકીલ તરીકે અંદર જવા માંગતા હતા. આરોપ છે કે પોલીસ દ્વારા કોર્ટના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.

પોલીસ સાથે ઘર્ષણનો વીડિયો વાયરલ થયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે કોર્ટના દરવાજા બંધ છે અને ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને સમર્થકો પોલીસ સાથે વાતચીત કરી રહ્યા છે. ગોપાલ ઈટાલિયાએ પોલીસને કહ્યું, વકીલને કોર્ટમાં આવતા કેમ રોકો છો,  તમારી પાસે શું સત્તા છે વકીલને રોકવાની. ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને પોલીસ વચ્ચ શાબ્દીક બોલાચાલી થઈ હતી.

ચૈતર વસાવાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી તેના સમર્થનમાં આગળ આવી છે. આપના ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ ચૈતર વસાવાની અટકાયતને ભાજપનું કાવતરું ગણાવ્યું હતું. આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા ઍક્સ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે "વીસાવદરની પેટાચૂંટણીમાં ભાજપની હાર થયા પછી ભાજપ આઘાતમાં છે. તેમને એવું લાગતું હોય કે આ પ્રકારની ધરપકડથી આપ ડરી જશે તો એ તેમની સૌથી મોટી ભૂલ છે."

રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાના રિમાન્ડ અને જામીન અરજી બંને નામંજૂર કરી દીધી છે. હવે ચૈતર વસાવાને સેશન્સ કોર્ટમાંથી જામીન લેવા પડશે. હાલ ધારાસભ્ય ચૈતર વસાવાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા છે. સોમવારે ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવશે.