અમદાવાદ: LRD ભરતીમાં ST અનામતમાં ઉભા થયેલ અન્યાયને પગલે છોટા ઉદેપુરમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. બંધને સફળ બનાવવા માટે વહેલી સવારથી લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દુકાનો સહિત વાહનવ્યવહાર પણ બંધ કરાવ્યો હતો. જ્યારે બોડેલીમાં પણ ટ્રેન રોકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, LRD પરીક્ષામાં એસટીનાં ખોટા દસ્તાવેજો બનાવવા મામલે છેલ્લા ઘણાં સમયથી આદિવાસી સમાજ દ્વાર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.

એલઆરડી પરીક્ષામાં ખોટા એસટી દસ્તાવેજોને કારણે આદિવાસી યુવાનો અને મહિલાઓને હળહળતો અન્યાય થયો હોવાના આરોપ સાથે આદિવાસી સમાજ દ્વારા અનેક દિવસોથી સરકાર સામે લડત ચલાવવામાં આવી રહી છે.

તેવામાં સરકારની આંખ ખોલવા માટે આદિવાસી સંગઠનોએ 7 ફેબ્રુઆરીએ છોટા ઉદેપુર બંધનું એલાન આપ્યું હતું. બંધને સફળ બનાવવા માટે વહેલી સવારથી લોકોએ દુકાનો બંધ કરાવી હતી. તો મુખ્ય રોડ ઉપર વાહનો અટકાવીને પણ વિરોધ નોંધાવ્યો હતો. પાવી જેતપુર ખાતે શાકભાજી માર્કેટ ખૂલે તે પહેલા જ બંધ કરાવાયું હતું.

આદિવાસી અધિકાર બચાવ સમિતિ દ્વારા છેલ્લા 16 દિવસથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આંદોલન થઈ રહ્યા છે, ત્યારે ખોટા આદિવાસી જાતિ પ્રમાણપત્ર મેળવી સરકારી નોકરીમાં પસંદગી પામેલા લોકોને દૂર કરવા સહિત ખોટા આદિવાસી પ્રમાણપત્ર મળ્યા છે. તેમને રદ કરવા માટે આદિવાસી સંગઠન દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ 16માં દિવસ થઈ ગયો તેમ છતાં તેમની માંગ પુરી થઈ નહીં.

ડાંગના ધારાસભ્યએ પણ ચિમકી આપી હતી, જો સાચા આદિવાસીનો માંગ પુરી નહીં થાય તો અમે લોકો તીર કામઠા ઉપાડીશું.