ગાંધીનગર: ભૂતાનના રાજા મહામહિમ જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને વડાપ્રધાન શેરિંગ તોબગે હાલ ગુજરાતના 3 દિવસીય પ્રવાસ પર છે. તેમના આ પ્રવાસ દરમિયાન તેઓ ગઇકાલે એટલે કે 22 જુલાઈના રોજ ગાંધીનગર પધાર્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ ભૂતાનના રાજવી અને વડાપ્રધાનના સન્માનમાં ગાંધીનગરની હોટલ ધ લીલા ખાતે સ્નેહ ભોજનનું આયોજન કર્યું હતું. મુખ્યમંત્રીએ ભૂતાનના રાજવીને ભેટરૂપે કચ્છની વિશ્વ પ્રસિદ્ધ રોગન કલાની પ્રતિકૃતિ તેમજ ભુજોડીની શાલ ગુજરાત પ્રવાસની સ્મૃતિરૂપે ભેટ આપી હતી. 


 




ભુજોડી વણાટકળા રાજ્યના કચ્છ જિલ્લાના ભુજોડી ગામની પ્રખ્યાત પરંપરાગત હસ્તકલા છે


ભુજોડી વણાટકળા એ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજોડી ગામની પ્રખ્યાત પરંપરાગત હસ્તકલા છે. ભુજોડી ગામના કુશળ વણકરો પેઢીઓથી ચાલી આવતી પરંપરાગત તકનીકોનો ઉપયોગ કરીને હાથવણાટના ઉત્કૃષ્ટ કાપડ બનાવે છે. ભુજોડી વણાટની કળામાં ઊન અને કોટન જેવા ઉચ્ચ ગુણવત્તાના ફાઇબર્સનો ઉપયોગ કરવામાં આવે છે, અને આ ફાઇબર્સ સ્થાનિક રીતે જ પ્રાપ્ત કરવામાં આવે છે. શાલ, સ્ટોલ્સ, સાડીઓ, ધાબળા વગેરે જેવા વિવિધ હાથવણાટના ઉત્પાદનો બનાવવા માટે ભુજોડીના વણકરો વધારાની વેફ્ટ વીવિંગ ટેક્નિક એટલે કે તાણાવાણા વણાટની તકનીકનો ઉપયોગ કરે છે. ભુજોડી વણાટની અદ્ભુત સુંદરતા અને સમૃદ્ધ વારસાને કારણે આ તે વિશ્વભરમાં અત્યંત લોકપ્રિય હસ્તકલા બની છે.


ભુજોડી વણાટકળાની જટિલ ડિઝાઇન અને ઉચ્ચ-ગુણવત્તાવાળી સામગ્રીના કારણે તે ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ફેશન ડિઝાઇનર્સ અને ગ્રાહકોમાં લોકપ્રિય પસંદ બની છે. ભુજોડી વણાટકળા સ્થાનિક અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે, કારણકે ભુજોડી ગામના ઘણા પરિવારો આજે પણ આ કળાના માધ્યમથી જ જીવનનિર્વાહ કરી રહ્યા છે. ભાવિ પેઢીઓ માટે આ કળા જળવાઈ રહે તે માટે તેને પ્રમોટ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગુણવત્તાયુક્ત ઉત્પાદનો આપતી ભુજોડી વણાટકળા ટેક્સટાઇલ આર્ટ્સની દુનિયામાં સાચા રત્ન સમાન છે. 


રોગન આર્ટ: કચ્છની ચાર સદીઓ જૂની કળા


રોગન આર્ટ એ કાપડ પર પેઇન્ટિંગ કરવાની એક પદ્ધતિ છે, જે ચાર સદીઓ જૂની કળા છે અને આ કળા ફક્ત ગુજરાતના કચ્છ જિલ્લામાં જોવા મળે છે. રોગન કળા એક સમયે લુપ્ત થવાના આરે હતી, પરંતુ રાજ્ય સરકારના અને કચ્છી સમાજના સંયુક્ત પ્રયાસોના કારણે આ કળાનું પુનરુત્થાન થયું છે. 


રોગન કળામાં જે પેઇન્ટિંગ કરવામાં આવે છે, તેમાં મુખ્ય ઘટક તરીકે એરંડાનું તેલ વાપરવામાં આવે છે. રોગન એ ફારસી મૂળનો શબ્દ છે, જેનો અર્થ થાય છે, ‘તેલ આધારિત’. આમ, તેમાં વપરાતા મુખ્ય ઘટકના નામ પરથી આ કળાનું નામ પાડવામાં આવ્યું છે. રોગન આર્ટમાં જોવા મળતી પ્રચલિત ડિઝાઇન ફૂલો અને મંડલા પેટર્ન છે. રોગન આર્ટમાં ‘ટ્રી ઓફ લાઇફ’ એટલે કે જીવનવૃક્ષ એ સૌથી વખાણાયેલી ડિઝાઇન છે, અને તેના પર કામ કરવું પણ ખૂબ અઘરું છે.