જૂનાગઢ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોહપુરુષ અને દેશના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી અને જૂનાગઢના મુક્તિ દિવસના અવસરે સરદાર @150 યુનિટી માર્ચ પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ સ્થિત આરઝી હકુમત દ્વારા મળેલી મુક્તિના સ્મરણ સ્મૃતિ સ્મારક ખાતે સ્વાતંત્ર્યવીરોને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.  મુખ્યમંત્રીએ પદયાત્રામાં જોડાનારા હજારો નાગરિકોને સંબોધીને રાજ્યવ્યાપી યુનિટી માર્ચના પ્રથમ ચરણનો પ્રારંભ કરાવ્યો હતો.  આ રેલીના પ્રસ્થાન પૂર્વે મુખ્યમંત્રી એ આરઝી હકુમતનો ઈતિહાસ દર્શાવતી ફોટો પ્રદર્શની પણ નિહાળી હતી.

Continues below advertisement

 

મુખ્યમંત્રીએ આરઝી હકુમતના ઈતિહાસનું સ્મરણ કરતાં જણાવ્યું કે, 1947ની 15મી ઓગસ્ટના રોજ દેશ આઝાદ થયો હતો પરંતુ જૂનાગઢના નવાબની લોકમત વિરૂદ્ધની નીતિના કારણે 86 દિવસના સંગ્રામ બાદ  નવમી નવેમ્બરે ઉપરકોટમાં ભારતનો તિરંગો લહેરાવવા સાથે જૂનાગઢ વાસ્તવમાં આઝાદ થયું હતું અને તે રીતે તા. 9 નવેમ્બરને ‘જૂનાગઢ મુક્તિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આરઝી હકુમત દ્વારા જૂનાગઢને મુક્તિ અપાયા બાદ તા.13 નવેમ્બરના રોજ આ જ બહાઉદ્દીન કોલેજના મેદાનમાં સરદાર વલ્લભભાઈ પટેલે સભા કરીને જૂનાગઢવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા તેનું પણ સ્મરણ મુખ્યમંત્રી એ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે 562 દેશી રજવાડાઓનું વિલિનીકરણ કરીને એક અને અખંડ ભારત બનાવ્યું હતું.   

મુખ્યમંત્રી એ સૌ સોરઠવાસીઓએ જૂનાગઢ મુક્તિ દિવસની શુભકામનાઓ પાઠવી વિકસિત ભારતના નિર્માણ માટે એક અને નેક બની સહભાગી બનવા આહ્વાન કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીએ જૂનાગઢની આઝાદીની ચળવળમાં મહત્વનું યોગદાન આપનારા આરઝી હૂકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ ઉપરાંત જૂનાગઢની નાગરિક સેવાઓના પ્રોજેક્ટ માટે જૂનાગઢના સાધુ-સંતોએ રૂ.51 લાખનો ચેક મુખ્યમંત્રી ને અર્પણ કર્યો હતો. નાગરિક સેવાઓમાં જનભાગીદારીની આ પહેલને સૌએ સહર્ષ વધાવી આભારની લાગણી પ્રગટ કરી હતી.

જૂનાગઢની આ પદયાત્રા હજારો નાગરિકોની ઉપસ્થિતિ અને રાષ્ટ્રીય એકતાના ભાવ સાથે યાદગાર બની હતી. મુખ્યમંત્રી પણ બહાઉદીન કોલેજથી  પદયાત્રામાં જોડાઈને યાત્રાના રૂટ પર વિવિધ સમાજ સંસ્થાઓના સાંસ્કૃતિક પ્લેટફોર્મ પર સૌનું અભિવાદન કર્યું હતું.  સમગ્ર રૂટ પર 19 સ્ટેજ બનાવવામાં આવ્યા હતા અને તેમાં જુનાગઢનો ઈતિહાસ સાંસ્કૃતિક વારસો સહિત વિવિધ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રએ સમગ્ર રૂટ ઉપર ટ્રાફિક વ્યવસ્થા અને  સંકલન કરી આ વિશાળ પદયાત્રાને સફળ બનાવી હતી.