રાજકોટ: સામાજિક રિવાજોમાં થતા અનિયંત્રિત ખર્ચાઓ પર લગામ કસવા માટે રાજકોટના હાલર પંથકના આહિર સમાજે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. 150 ફૂટ રિંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક ખાતે યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં, 1500 થી વધુ પરિવારોની સંમતિથી લગ્ન અને અન્ય પ્રસંગોમાં થતા આડેધડ ખર્ચાઓ પર નિયંત્રણ લાવવા માટે એક મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ ઠરાવમાં ખાસ કરીને સોનું આપવાની પ્રથા, પ્રિ-વેડિંગ શૂટ અને મોટા જમણવારો પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.
હાલર પંથકના આહિર સમાજ દ્વારા પસાર કરાયેલા આ ઠરાવમાં સમાજના દરેક સભ્યે પાલન કરવા માટેના 13 મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
નં. મુખ્ય પ્રથા/રિવાજ ઠરાવ મુજબનો નિર્ણય1. સોનાના દાગીના (વર પક્ષ)- લગ્ન પ્રસંગે વર પક્ષે 8 તોલાથી વધારે સોનાના દાગીના મૂકવા નહીં.2. સોનાના દાગીના (કન્યા પક્ષ)- દીકરીના માતા-પિતાએ કન્યાદાનમાં વર પક્ષને 2 તોલાથી વધુ સોનાના દાગીના આપવા નહીં.3. લાડવા જમણવાર- લાડવા પ્રથામાં મોટો જમણવાર નહીં, માત્ર બહેન-દીકરી પૂરતો જ મર્યાદિત રાખવો.4. પ્રિ-વેડિંગ/કંકુ પગલાં- પ્રિ-વેડિંગ પ્રથા અને કંકુ પગલાં પ્રથા સંપૂર્ણપણે બંધ કરવી.5. મામેરામાં રોકડ- મામેરામાં રૂ. 11,000/- (અગિયાર હજાર)થી વધારે રકમ આપવી નહીં.6. વ્યર્થ ખર્ચ (પૈસા ઉડાડવા)- લગ્ન પ્રસંગે કોઈપણ રસમમાં (ફુલેકું, દાંડિયારાસ, ડી.જે., મામેરા, વરઘોડો, વરતી જાન) પૈસા ઉડાડવા નહીં.7. ફટાકડા ફોડવા- કોઈપણ પ્રસંગમાં ફટાકડા ફોડવા નહીં.8. માઠા પ્રસંગે જમણવાર - માઠા પ્રસંગે જમણવાર માત્ર ઘર તથા બહેન-દીકરી પૂરતો જ કરવો.9. કંકોત્રી/વાના રસમ- કંકોત્રી રસમ તથા વાના રસમમાં ડેકોરેશન કરવું નહીં (કુટુંબ પરિવાર પૂરતું જ રાખવું).10. શ્રાદ્ધ-પાચમ જમણવાર- શ્રાદ્ધ-પાચમનો જમણવાર ઘર પૂરતો જ રાખવો.11. શ્રીમંત-દીકરી વધામણાં- ડેકોરેશન કરવું નહીં અને પેંડા વહેંચણી પ્રથા બંધ કરવી.12. પૈસા પાછા વાળવા- કોઈપણ પ્રસંગમાં બહેનોએ પૈસા પાછા વાળવાની પ્રથા સંપૂર્ણ બંધ કરવી.13. દાંડિયારાસ- વર કે કન્યાએ સસરા પક્ષમાં દાંડિયારાસ રમવા જવું નહીં. (જો બંને પક્ષનો પ્રસંગ સાથે હોય તો લાગુ નહીં પડે).
નિયમ ભંગ પર કડક સજા
- સમાજ દ્વારા પસાર કરાયેલા આ ઠરાવનો ભંગ કરનાર કુટુંબ સામે કડક પગલાં લેવાની પણ જોગવાઈ કરવામાં આવી છે:
- "જો કોઈ કુટુંબ ઠરાવના નિયમોનો ભંગ કરશે, તો તેમને રૂપિયા 1 લાખનો દંડ ફટકારવામાં આવશે. જો દંડ નહીં ભરે તો જાહેરમાં માફી માગવાની રહેશે અને તેમ છતાં પાલન નહીં થાય તો સમાજમાંથી તે કુટુંબને દૂર કરવામાં આવશે."
- હાલર પંથકના આહિર સમાજનો આ નિર્ણય અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે, જેણે લગ્નના પ્રસંગોમાં સાદગી અને આર્થિક સમજદારી જાળવવાનો સંદેશ આપ્યો છે.