કોરોના સામેની જંગમાં રસીકરણ અભિયાન દેશભરમાં શરુ છે ત્યારે ગુજરાતના સૌ વરિષ્ઠ નાગરિકો સહકાર થકી ગુજરાત રાજ્યને અગ્રેસર રાખશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યકત કર્યો છે. વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્ય સરકારે આ રસીકરણ અભિયાનની સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી લીધી છે. રાજ્યભરની 2195 જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ 536 જેટલા ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓની મદદથી કોરોના વેક્સિન આપવામાં આવશે.
મુખ્યમંત્રીએ આગળ જણાવ્યું કે સૌ વરિષ્ઠ વડીલો રસીના ડોઝ લઈને ‘હારશે કોરોના જીતશે ગુજરાત’ના મંત્ર ને સાકાર કરી કોરોના સામેની લડાઈના અંતિમ તબક્કામાં વિજય મેળવે. આ ઉપરાંત દરેક નાગરિકોને અપીલ કરી છે કે પોતાના ઘર પરિવાર અને આસપાસના વરિષ્ઠ વડીલોને રસીકરણ માટે પ્રેરિત કરે અને કોરોના મુક્ત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપે.