અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ સાથે વીડીયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હોસ્પિટલમાં મળતી સારવાર અંગે દર્દીઓ સાથે ચર્ચા કરી હતી. દર્દીઓને ઝડપથી સ્વસ્થ થવા માટે શુભેચ્છા પાઠવી અને સ્વસ્થ થયા બાદ પણ તકેદારી રાખવા સલાહ આપી હતી.


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, સરકાર તેમની સારવારની ચિંતા કરે છે. સારવાર લઈ રહેલા સૌને રિકવરી બાદ પણ થોડા દિવસ તકેદારી રૂપે સેલ્ફ આઇસોલેશન અને પરિવારજનોએ પણ કવોરેન્ટન રહેવા સલાહ આપી હતી. વિજય રૂપાણીએ આ દર્દીઓની સારવાર કરી રહેલા તબીબો સાથે પણ વ્યક્તિગત વાતચીત કરીને તેમને આ સેવાકાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતાં.

ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના કેસ વધતા જ જાય છે. રાજ્ય સરકારે સોમવારે સવારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં કોરોનાવાયરસના ચેપના પોઝિટિવ કેસનો આંકડો 29 થઈ ગયો છે. રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કુલ 13 કેસ નોંધાયા છે જ્યારે વડોદરામાં 6 કેસ નોંધાયા છે. અમદાવાદ અને વડોદરા પછી સુરત અને ગાંધીનગર આવે છે કે જ્યાં 4-4 કેસ નોંધાયા છે. રાજકોટ તથા કચ્છમાં એક-એક કેસ નોંધાયો છે.