ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના કેસ વધતા જ જાય છે. રાજ્ય સરકારે સોમવારે સવારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં કોરોનાવાયરસના ચેપના પોઝિટિવ કેસનો આંકડો 29 થઈ ગયો છે. રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કુલ 13 કેસ નોંધાયા છે. ત્યારે એક દિવસ પહેલાં જ ઈટલીમાં ફસાયેલા લોકોને લેવા માટે વિશેષ પ્લેન મોકલવામાં આવ્યું હતું જે ભારત આવી ગયું છે જે વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યા છે.



ઈટાલીમાં ફસાયેલા ભારતીયોને રેસ્કયુ કરી એર ઈન્ડિયાના ફ્લાઈટ મારફતે ભારત પરત લાવવામાં આવ્યા છે. આ સાહસિક કામમાં અગત્યનો ભાગ ભજવનાર એર ઇન્ડિયાના પાયલોટનું ગુજરાત અને ભાવનગર સાથે સીધું કનેક્શન સામે આવ્યું છે. મૂળ ભાવનગરના એવા રાવલ પરિવારમાંથી આવતા અને હાલ એર ઈન્ડિયામાં કમાન્ડર તરીકે ફરજ બજાવતા સ્વાતિ રાવલે બખૂબી રીતે પોતાની ફરજ બજાવી છે અને સફળતાપૂર્વક તમામ ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે.



એબીપી અસ્મિતા સાથે સ્વાતિ રાવલના પરિવારે વાત કરી હતી જેમાં તેમના માતા-પિતા અને બહેનો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. જોકે રોજ એક રસપ્રદ અને સૌથી મહત્વની વાત એ છે કે, સ્વાતિ રાવલની નાની બહેન પણ પાયલોટ છે કે જે સ્પાઈસજેટમાં ફરજ બજાવે છે. એટલે કે આ પરિવારમાં બે દીકરીઓ પાઈલોટ તરીકે સેવા આપી રહી છે.



તેમના પરિવારજનોનું કહેવું છે કે, જ્યારે ઈટાલીમાં ફસાયેલા ભારતીયોને રેસ્ક્યુ બાબતે જ્યારે સ્વાતિએ વાત કરી ત્યારે તેમને આમ મહત્વના કામને કરવાની પરવાનગી આપી હતી અને હિંમત પણ આપી ત્યારે હવે જ્યારે આ મિશન સફળતાપૂર્વક પાર પડ્યું છે તેમાં તેમનો પરિવાર ગર્વની અનુભૂતિ કરી રહ્યો છે.