ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: વડગામ વિધાનસભા સીટ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે આમ આદમી અને AIMIM પાર્ટીએ પણ ઝંપલાવતા ચતુષ્કોણીય જંગ જામે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. 


વડગામ સીટ કોંગ્રેસનો ગઢ રહી છે. 2.94 લાખ મતદારો ધરાવતી વડગામ સીટ પર સૌથી વધુ વોટ મુસ્લિમ મતદારોના છે. જ્યારે બીજા નંબરે દલિત સમાજના વોટ છે. ત્યારે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા માટે ભાજપે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે દલિત નેતા જીગ્નેશ મેવાણીને જંગના મેદાનમાં ઉતાર્યા છે. જોકે, ઓવેસીની પાર્ટી AIMIM અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારતા વડગામ બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે. 


ત્યારે મતદારોનો મિજાજ જોઈએ તો, મોટાભાગની પાર્ટીએ આયાતી ઉમેદવાર મુક્યા છે. આયાતી ઉમેદવારો સામે વિરોધ જતાવતા મતદારો વડગામના વિકાસને ઝંખી રહયા છે. વડગામ એસ.સી.સીટ છે. જ્યાં રાજકીય પક્ષો દ્વારા આજદિન સુધી આયાતી ઉમેદવારો મુકાયા છે. જેને કારણે વડગામનો જોઈએ એવો વિકાસ થયો નથી. ત્યારે વડગામમાં કરમાવદ તળાવ, મોકેશ્વર ડેમમાં પાણીની સમસ્યા હલ કરે તેવો ધારાસભ્ય આવે તેવો મત મતદારો વ્યક્ત કરી રહ્યા છે.


વડગામમાં કોઈ ધંધા રોજગાર નથી. ત્યારે વડગામમાં જી.આઇ.ડી. સી બને અને ધંધા રોજગાર વધે તથા પાણીની સમસ્યા હલ થાય તેવા ધારાસભ્યને લોકો ઇચ્છી રહ્યા છે. આમ, વડગામમાં આયાતી ઉમેદવારો વચ્ચે કોના પર પસંદગીનો ઢોળવો તેને લઈને મતદારો અવઢવમાં છે. ત્યારે કોઈપણ રાજકીય પક્ષ પણ જીતનો દાવો કરી શકવાની સ્થિતિમાં નથી.


વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવની શાન ઠેકાણે આવી


વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની ધમકી બાદ ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું છે. ચૂંટણી પંચ એક્શનમાં આવતા ડંફાસ મારનાર મધુ શ્રીવાસ્તવની શાન ઠેકાણે આવી ગઇ છે. વાસ્તવમાં ચૂંટણી પંચે વડોદરા જિલ્લા કલેક્ટર પાસે રિપોર્ટ માંગ્યો હતો. હવે મધુ શ્રીવાસ્તવની મુશ્કેલીઓ વધી શકે છે. આ મામલે મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે રિપોર્ટનો હું જવાબ આપી દઇશ. તેમણે કહ્યું કે હું ગોળી બંદૂકની નહી પણ ચોકલેટની વાત કરતો હતો. મે કોઇ નેતાને ધમકીઓ આપી નથી. મે ગોળી મારવાનું નહી ચોકલેટની ગોળી ખવડાવવાની વાત કરી છે.


શિવરાજ સિંહ ચૌહાણે કચ્છમાં સભા ગજવી, કોંગ્રેસ- આપ પર સાધ્યું નિશાન


બીજેપીએ કચ્છ જિલ્લામાં પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. કચ્છમાં આયોજિત એક જાહેરસભામાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે, આજે તમે કચ્છની પાઘડી પહેરીને મારું સ્વાગત કર્યું છે. આપણા દેશમાં પાઘડીથી મોટું કોઈ સન્માન નથી. હું તમને વચન આપું છુ કે તમારું ગુજરાતનું ગૌરવ અને ગૌરવ વધારવા માટે મારાથી જે પણ યોગદાન થઈ શકે તે આપીશ. અહીંનું દાડમ, અહીંનું ડ્રેગન ફ્રૂટ પ્રખ્યાત છે. કચ્છના લોકો જ્યાં જાય છે ત્યાં પ્રભુત્વ ધરાવે છે.