ગાંધીનગર: કોરોના વાયરસની મહામારીના કારણે દેશમાં લોકડાઉન ફરી બે અઠવાડિયા માટે લંબાવામાં આવ્યું છે. એવામાં લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિઓ શ્રમિકોની હાલત કફોડી બની છે. સરકાર દ્વારા શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા માટે બસ અને ટ્રેનોની સુવિધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે સીએમઓ સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, શ્રમિકોએ પોતાના વતન જવા માટે પોતાના ખર્ચે ટિકિટ બુક કરાવવાની રહેશે.


અશ્વિની કુમારે કહ્યું કે, ટ્રેનમાં જવા માટે નોંધણી કરાવવી જરૂરી છે. જ્યારે વતન જવા માંગતા શ્રમિકોએ ટિકિટની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. તેમણે કહ્યું કે જિલ્લા વહીવટી તંત્ર તબક્કાવાર રીતે કામદારોને તેમના વતન મોકલશે.

શ્રમિકોને તેમના વતન પરત મોકલવા માટે આઠ IAS અને આઠ IPS અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતમાં રહેતા પરપ્રાંતિયોને તેમના માદરે વતન મોકલવા 16 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત અશ્વિની કુમારે જણાવ્યું કે, બહારનાં રાજ્યોમા ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે બીજા રાજ્યોનાં અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે. 3 હજાર જેટલા બીજા રાજ્યોમા ફસાયેલા ગુજરાતનાં લોકો ને ગુજરાત લાવ્યા છીએ. ગુજરાત બહાર ફસાયેલા ગુજરાતીઓ ગુજરાત પરત ફરવા માંગતા હોય તેનાં માટે રાજય સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર 079 23251900 જાહેર કર્યો છે. જેના પર ફોન કરી ને સ્ટેટ કંટ્રોલ રુમ પર પોતાની વિગતો લખાવવી શકશે. ગુજરાત પરત ફરવા માટે તેમણે પાસ મળી જાય તેં માટે પ્રયાસો કરશે.

ગુજરાતમાં રહેતાં ગુજરાત બહારનાં પરપ્રાંતીય લોકોને પોતાના વતન જવા માટે રાજય સરકારે ટ્રેન કે બસ માધ્યમ દ્રારા મોકલવા માટે વ્યવસ્થા કરવામાં આવશે. રાજયમાં સ્પેશ્યલ ટ્રેનો દ્રારા બીજા રાજ્યોનાં લોકોને મોકલવા માટે આયોજન થઈ રહ્યુ છે. આજે સુરત થી એક ટ્રેન ઓરિસ્સા અનેં અમદાવાદ થી બે ટ્રેન ઉતરપ્રદેશ જશે.